વાપીઃ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની ગત યોજાયેલી ચૂંટણીમાં પ્રમુખ પદનો મામલો કાયદાકીય ચેલેન્જ અને ખટરાગમાં સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યા બાદ હવે નવા વિવાદમાં પરિણમ્યો છે. પ્રમુખપદના મામલે થોડા સમય પહેલા સુપ્રીમ કોર્ટે બંને પક્ષમાં આર્બિટ્રેટર નીમી લવાદથી મામલો સુલજાવવાનો ચુકાદો આપ્યો હતો. જે મુજબ ટીમ ઉદ્યોગ તરફથી આર્બિટ્રેટર તરીકે નિમાયેલા આર. આર. દેસાઈએ ટીમ VIAના પૂર્વ પ્રમુખ યોગેશ કાબરિયા અને એલ. એન. ગર્ગ VIAના બોગસ મેમ્બરશીપ ઊભી કરી ચૂંટણી જીત્યા હોવાના ગંભીર આક્ષેપો કરી હાલની લવાદ પ્રક્રિયા ન્યાયિક ન હોવાનું જણાવી રાજીનામું આપ્યુ છે.
આ સમગ્ર બાબતે ટીમ ઉદ્યોગના મહેશ પંડ્યાએ આક્ષેપો કર્યા હતા કે, ગત VIAની ચૂંટણીમાં પ્રમુખ પદના બે ઉમેદવાર જીત્યા હતા. જેમાં ટીમ VIAએ બહુમતીના જોરે સત્તા હાંસલ કરી હતી. આ મામલો ન્યાય મેળવવા સેસન્સ કોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. હાઇકોર્ટે આ મામલો લવાદથી ઉકેલવા સૂચન કર્યું હતું. જે આધારે ટીમ ઉદ્યોગ દ્વારા આર. આર. દેસાઈને આર્બિટ્રેટર તરીકે નીમવામાં આવ્યા હતા. તેમજ ટીમ VIA તરફથી ભૂતપૂર્વ પ્રમુખ યોગેશ કાબરિયાને આર્બિટ્રેટર તરીકે નીમવામાં આવ્યા હતા. ન્યાયિક પ્રક્રિયા મુજબ ચૂંટણી સમયે જે કન્વીનર હોય તે વ્યક્તિ આર્બિટ્રેટર તરીકે નિમણૂક પામી ન શકે, આવો આક્ષેપ મહેશ પંડ્યાએ કરી વધુમાં જણાવ્યું હતું કે, આ સમગ્ર મામલે તે બાદ આ આર્બીટ્રેટર તરીકે નિમણૂક પામેલા આર. આર. દેસાઈએ તપાસ હાથ ધરતા તેમને ચોંકાવનારી વિગતો મળી હતી. આ વિગતો મુજબ 2015માં ચૂંટાયેલા પ્રમુખ યોગેશ કાબરિયા પોતે કોઈપણ ઉદ્યોગના માલિક કે ભાગીદાર કે કોઈ કંપનીમાં કામ કરતા ન હોવા છતાં તેમણે બોગસ મેમ્બરશીપ ઊભી કરી આ ચૂંટણીના ઉમેદવાર બન્યા હતા. તેમજ 35 સભ્યોના ફોર્મ પર સહી કરી હતી. એ જ રીતે એલ. એન. ગર્ગ પણ પોતાની માલિકીનો માત્ર પ્લોટ ધરાવતા હતા, તેમના પર જીએસટી રજીસ્ટ્રેશન કે પાણી, લાઈટ બિલના કોઈ પણ પુરાવા ન હોવા છતાં તેમને સમર્થન આપ્યું હતું.