દમણઃ સંઘપ્રદેશ દમણમાં વીજદર ખૂબ જ નીચા છે. જેને કારણે અહીં ગુજરાતમાંથી અનેક ઉદ્યોગોએ હિજરત કરી છે. જો કે હાલમાં જ દમણ પ્રશાસને કેન્દ્ર સરકારની સૂચના મુજબ વીજદરમાં વધારો કર્યો છે. તેમજ સરકારી વીજ વિભાગનું ખાનગીકરણ કરી નાખવા હિલચાલ આદરી છે. જેને ધ્યાને રાખી પટલારા ગ્રામ પંચાયતે તેનો વિરોધ કર્યો હતો.
દમણમાં વીજ વિભાગના ખાનગીકરણ અને વીજદર વધારાના વિરોધમાં પટલારા ગ્રામ પંચાયતના સરપંચે આવેદનપત્ર આપ્યું - Patlara Gram Panchayat
સંઘપ્રદેશ દમણમાં સરકારી વીજ વિભાગનું ખાનગીકરણ અને વીજદર વધારાના મુદ્દે દમણ પટલારા ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સભ્યોએ પ્રશાસક પ્રફુલ પટેલને આવેદનપત્ર આપી વીજદર ઘટાડવા અને ખાનગીકરણ લાગુ નહી કરવા માગ કરી હતી.

પટલારા ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સભ્યોએ એક આવેદનપત્ર આપી પ્રશાસક સમક્ષ વીજદર ઘટાડવા અને ખાનગીકરણ લાગુ નહી કરવા રજૂઆત કરી હતી. આ અંગે ગામના સરપંચ વિજય પટેલે વિગતો આપી હતી કે, આ ગામે સરકારને 2 પાવરગ્રીડ સ્થાપવા ઉદાર હાથે જમીનનું દાન કર્યું છે. ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. પરંતુ હાલમાં કેન્દ્ર સરકારની સૂચનાથી દમણમાં વીજ વિભાગનું ખાનગીકરણ કરવાની હિલચાલ શરૂ થઈ છે. આ ઉપરાંત વીજદરમાં વધારો કર્યો છે. ત્યારે, લોકડાઉનમાં લોકો બેરોજગાર બન્યા હોય આ વીજ વધારો પાછો ખેંચી બીલમાં રાહત આપવા અને વીજ વિભાગનું ખાનગીકરણ નહી કરવા એક આવેદનપત્ર આપી રજૂઆત કરી છે.
ગામના સરપંચ તેમજ સભ્યોએ આ રજૂઆત પ્રશાસક પ્રફુલ પટેલને કરી છે અને આશા વ્યક્ત કરી હતી કે લોકલાગણીને ધ્યાને રાખી પ્રશાસક આ અંગે યોગ્ય નિર્ણય કરશે.