- પારડી વિધાનસભાના ધારાસભ્ય કનું દેસાઈને મંત્રી મંડળમાં સ્થાન
- વાપીમાં કનું દેસાઈના કાર્યાલય પર ફટાકડા ફોડ્યા
- કાર્યકરોએ એકબીજાને મોઢું મીઠું કરાવ્યું
વાપી: વલસાડ જિલ્લાના રાજકારણમાં ચાણક્ય ગણાતા કનુભાઈ દેસાઈને ગુજરાતમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના પ્રધાન મંડળમાં સ્થાન મળ્યું છે. ગુરૂવારે યોજાયેલી શપથવિધિ કાર્યક્રમમાં કનુભાઈ દેસાઈએ કેબિનેટ પ્રધાન તરીકે શપથ લીધા છે. જેને લઈને વાપીમાં કનુ દેસાઈના કાર્યાલય પર ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. કનુભાઈ દેસાઈ વલસાડ જિલ્લામાં ભાજપ કાર્યકરો માટે અદકેરું વ્યક્તિત્વ ધરાવતા નેતા મનાય છે. એ ઉપરાંત વાપી GIDC માં આવેલા ઉદ્યોગોમાં પણ તે સર્વેસર્વા છે.
કનુ દેસાઇની રાજકીય કારકિર્દી અને જીવનના પાસાઓ અંગે માહિતી
કનુ દેસાઈની રાજકીય કારકિર્દી અને તેના જીવનના અન્ય પાસાઓ વ્યક્તિત્વ અંગે વાત કરીએ તો કનુ દેસાઈનો જન્મ અને ઉછેર પારડી તાલુકાના ઉમરસાડીમાં થયો છે. હાલમાં તે વાપી ખાતે રહે છે, તેણે બી.કોમ પૂર્ણ કર્યું છે. તેનો જન્મ 3 ફેબ્રુઆરી 1951ના રોજ થયો હતો. તેઓ 1974થી 2014 સુધી યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ (UPL) સાથે વાઇસ પ્રેસિડેન્ટ (કોર્પોરેટ બાબતો) છે. જેમાં ઔદ્યોગિક વહીવટ અને કોર્પોરેટ સામાજિક જવાબદારીઓ સામેલ છે, તેનો કાર્યભાર સાંભળે છે. હાલમાં તે કંપનીમાં કોર્પોરેટ બાબતોના ડિરેક્ટર છે.
આટલી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે કનુ દેસાઈ
કનુભાઈ દેસાઈ નોટિફાઇડ એરિયા ઓથોરિટી, જીઆઇડીસી વાપીના પ્રથમ ચેરમેન હતા. હાલમાં તેઓ 2 ટર્મ માટે નોટીફાઇડ એરિયા ઓથોરિટીના પ્રમુખ છે, તેઓ રોટરી ક્લબ ઓફ વાપીના સભ્ય, રોટરી ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી, જ્ઞાનધામ વાપી ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી છે અને 2000 વિદ્યાર્થીઓ ધરાવતી આહવા અંગ્રેજી માધ્યમ શાળાના વહીવટમાં સામેલ છે.