વલસાડઃ જિલ્લાના ભિલાડ નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ઘોડિપાડા પાસે સોમવારની સાંજે મુંબઈથી વાપી જતા માર્ગ પર ટેન્કરની અડફેટે બાઇક સવારો આવી જતા વાપીના બે યુવાનોના ઘટના સ્થળ પર મૃત્યું નિપજ્યા હતા.
વલસાડના ભિલાડ નજીક ગમખ્વાર અકસ્માતમાં 2 યુવાનના મૃત્યું - National Highway No. 48
વલસાડ જિલ્લાના ભિલાડ નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ઘોડિપાડા પાસે સોમવારની સાંજે મુંબઈથી વાપી જતા માર્ગ પર ટેન્કરની અડફેટે બાઇક સવારો આવી જતા વાપીના બે યુવાનોના ઘટના સ્થળ પર મૃત્યું નિપજ્યા હતા.
ભીલાડ પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વાપીના બે યુવાનો અનિરુદ્ધ પ્રસન્ના ભટ્ટ અને તેમનો મિત્ર હર્ષવર્ધન કુંદેર સોમવારના રોજ સાંજે નંદીગામ તરફથી બાઇક પર વાપી તરફ આવી રહ્યાં હતા. તે દરમિયાન ભીલાડ નેશનલ હાઇવે નંબર 48 પર ઘોડિપાડા સાતનાળા પાસે મુંબઇથી વાપી તરફ જતા ટેન્કરના ચાલકે પોતાનું વાહન પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી બાઇક સવારોને અડફેટે લીધા હતા.
આ અકસ્માતમાં બન્ને યુવાનો રોડ પર પડી જતા તેમના પર ટેન્કરના ટાયર ફરી વળતા બન્નેના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. મૃતક બન્ને યુવાનોમાં અનિરુધ્ધ પ્રસન્ન ભટ્ટના પિતા વાપી આરતી કેમિકલ કંપનીમાં મેનેજર છે. બંનેના કુટુંબમાં એકના એક ચિરાગ બુઝાતા પરિવારમાં માતમનો માહોલ છવાયો છે.