- સર ટી હોસ્પિટલમાં ચાલતી લોલમલોલ
- શરદીના લક્ષણોના આધારે દર્દીને ધકેલાય છે કોરોના વોર્ડમાં
- હોસ્પિટલના જવાબદાર તંત્રએ પરિવારને આપ્યા ઉડાઉ જવાબો
ભાવનગર: શહેરમાં કોરોનાના આવતા કેસમાં કેટલાક કિસ્સા એવા સામે આવ્યા છે કે દર્દીના કોરોનાના પ્રાથમિક લક્ષણોના આધારે સર ટી હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં દાખલ કરી દેવામાં આવે છે. એક કેસમાં દર્દીનું મોત થઈ ગયું અને રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. દર્દીને કોરોના નહોતો તેવો તંત્ર પાસે કોઈ જવાબ નથી. સુપરિટેન્ડન્ટ વ્યસ્ત હોવાથી ફોનમાં જવાબ આપતા નથી.
સર ટી હોસ્પિટલમાં ચાલતી લોલમલોલ આ પણ વાંચો:વડોદરાની ગોત્રી કોવિડ-19 હોસ્પિટલની બેદરકારી છતી થઈ, બોગસ આર્મી ડોક્ટર દર્દીઓની વિઝિટ લઇ ગયો
શું બન્યો બનાવ સર ટી હોસ્પિટલમાં અને તેવા કેટલા કેસ...?
ભાવનગર સર ટી હોસ્પિટલમાં જયશ્રીબા સરવૈયા ઉમર અંદાજીત 45 વર્ષ જેમને સર ટી હોસ્પિટલમાં શરદી-કફ હોવાને પગલે લાવવામાં આવ્યા હતા. કોરોનાના લક્ષણોને આધારે ટ્રોમાં સેન્ટર સ્પેશિયલ કોરોના વોર્ડ બનાવવામાં આવ્યો છે ત્યાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યા તેમનું રાત્રે મૃત્યુ થઈ ગયું હતું. જયશ્રીબાનો રિપોર્ટ આજ 1 એપ્રિલે નેગેટિવ આવ્યો છે. હવે સર ટી હોસ્પિટલના તંત્ર પાસે મોતનું કારણ પરિવાર પૂછી રહ્યો છે પણ કોઈ જવાબ મળતો નથી. પરિવારે પૂછ્યું કે, પ્રાથમિક લક્ષણોને લઈ સીધા કોરોનાના વોર્ડમાં દર્દીને દાખલ કરવાથી દર્દી પોઝિટિવ ના હોઈ તો પણ પોઝિટિવ થઈ જાય છે સાથે પરિવાર પૂછી રહ્યો છે કે આવા કેટલાય દર્દીઓ છે. શું ડોક્ટરોને ખબર નથી પડતી? દર્દીના મૃત્યુનું કારણ પૂછવામાં આવે તો હોસ્પિટલમાંથી એવા જવાબ મળે છે કે, દર્દીએ ઓક્સિજન તેમની જાતે જ કાઢી નાખ્યું એટલે મૃત્યુ થયું છે. કોરોના છે જ નહીં તેને ઓક્સિજનની ક્યાં જરૂર છે? મતલબ કે, ડોક્ટરો અને વ્યવસ્થા કરનારા જવાબદારો બધા મૃત્યુ પામતા દર્દીઓને એક જ જવાબ આપે છે તે સ્પષ્ટ છે.
આવા કેટલા દર્દીઓ આવે છે અને કેવા ભોગ બને છે...?
ભાવનગર શહેરની સર ટી હોસ્પિટલનું ટ્રોમાં સેન્ટરમાં એક નહી બે-ચાર દર્દીઓ એવા સામે આવ્યા છે. જ્યાં કોરોના દર્દીઓને રાખવામાં આવે છે, ત્યાં શંકાસ્પદ દર્દીઓને પણ રાખવામાં આવે છે પછી રિપોર્ટ નેગેટિવ આવતા અન્ય વોર્ડમાં તબદીલ કરવામાં આવે છે. આ ઘટના બાદ બીજો કિસ્સો પણ સામે આવ્યો છે. આશિષ ડુંગરાણી નામના 27 વર્ષના યુવાનને પહેલા ટ્રોમાં સેન્ટરમાં રાખવામાં આવ્યો અને રિપોર્ટ આવ્યા બાદ સ્કિનની તકલીફ હોવાથી તેને સ્કિનના વોર્ડમાં બદલવામાં આવ્યો હતો. આવા કિસ્સા ઘણા છે કે, જેમ દર્દી આવે એટલે તેને પકડીને સામાન્ય લક્ષણો શરદી-કફના દેખાય એટલે કોરોના વોર્ડમાં મોકલી દેવામાં આવે છે અને બાદમાં પછી રિપોર્ટ નેગેટિવ આવતા બદલી નાખવામાં આવે છે.
આ પણ વાંચો:જામનગરની જીજી હોસ્પિટલની ધોર બેદરકારી, ફાયર સેફટીના બાટલાની ડેટ ત્રણ મહિનાથી એક્સપાયર
હવે તંત્ર આ મામલે શું કહે છે?
સર ટી હોસ્પિટલના ટ્રોમાં સેન્ટરની બહાર ભોગ બનેલા દર્દીઓ મીડિયા સામે તંત્રની ચાલતી લોલમલોલ વિશે રોષ ઠાલવતા હતા ત્યારે એક ડોક્ટર મહેશ મીડિયાનું શૂટિંગ ઉતારી રહ્યો હતો. શૂટિંગ ઉતારવા પાછળનું કારણ શું ? ડોક્ટરે અમસ્તા કહીને મામલો રફેદફે કર્યો હતો. જોકે મીડિયા નિષ્પક્ષ હોવાથી ડોક્ટર સાથે વધુ કોઈ માથાકૂટ કરી નહોતી પણ ડોક્ટરના ફોનમાંથી વીડિયો ડિલિટ કરાવ્યાં બાદ ડોક્ટરે કહ્યું, હવે નહી કરું. મારો પહેલો દિવસ છે. જવા દો કહીને માફી માંગી હતી.
જવાબદાર તંત્રના ઉડાઉ જવાબો
સુપરિટેન્ડન્ટ ડો. જયેશ બ્રહ્મભટ્ટની ઓફિસે પહોંચ્યા હતા ત્યારે જાણવા મળ્યું કે, તેઓ રાઉન્ડમાં ગયા છે. જ્યારે સુપ્રિટેન્ડન્ટ ડો. જયેશ બ્રહ્મભટ્ટને ફોનથી આ મામલે પૂછવામાં આવ્યું તો તેમણે વીડિયો કોન્ફરન્સમાં હોવાથી જે કામ હોય તે વોટ્સએપમાં જણાવી દો. તેવો જવાબ આપવામાં આવ્યો હતો. ત્યાર બાદ RMOની મુલાકાત લેતા તેમણે એડમિનિસ્ટ્રેશન અને સુપરિટેન્ડન્ટને પૂછવા કહ્યું, પરંતુ ઔપચારિક વાતમાં તેમણે જણાવ્યું હતું કે, શંકાસ્પદ દર્દીનો વોર્ડ અલગ છે અને પોઝિટિવ આવે તેવા દર્દીનો વોર્ડ અલગ છે પણ એક જ બિલ્ડિંગમાં છે.