ભાવનગરઃ શહેરમાં શ્વાનની સંખ્યા વધી રહી છે તેની પાછળનું કારણ મહાનગરપાલિકા દ્વારા કરાયેલા સર્વે અને ખસીકરણ બાદ પાંચ વર્ષે કરવામાં આવતી પ્રક્રિયા કાગળ પર છે. પરંતુ, જમીન પર ઉતરી નથી. શ્વાન કરડવાના કેસો મોટી સંખ્યામાં નોંધાઈ રહ્યા છે. શ્વાન પાલતુ હોવાથી શાકભાજી વાળા પાછળ ટમેટાના લોભમાં શેરીએ શેરી પાછળ ફરતા જોવા મળે છે તો વૃદ્ધો અને વાહન ચાલકો તેની સંખ્યા મર્યાદિત કરવા માંગ પણ કરી રહ્યા છે.
ભાવનગર શહેરની વસ્તી 7 લાખથી વધારે છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા શ્વાનની ગણતરી દર પાંચ વર્ષે કરવામાં આવતી હોય છે. પરંતુ, શહેરમાં હાલ શ્વાનની સંખ્યા 8થી 9 હજાર આસપાસ પહોંચી ગઈ છે. ગલીઓમાં નીકળતા શાકભાજી વાળા પાછળ શ્વાન દોડતા નજરે ચડે છે. અહીંયા શ્વાન કરડવા નહીં પરંતુ ટામેટાના લોભમાં તેની પાછળ ફરે છે પણ શ્વાનની ગલીએ ગલીએ હાજરીથી વાહન લઈને નીકળતા લોકો પાછળ દોડે છે અને કરડવાના બનાવો બની રહ્યા છે. વૃદ્ધોને ચાલીને જવામાં પણ ડરનો સામનો કરવો પડે છે અને શ્વાન કરડી પણ જવાના બનાવો બને છે. વાહન લઈને જનારા ચાલકોને શ્વાનને જોઈને વાહનની ગતિને ઓછી કરવી પડે છે. ભાવનગરની સર ટી હોસ્પિટલમાં રોજના 100થી વધુ કેસો હડકવાની રસી મુકવાના આવી રહ્યા છે. ક્યારે આંકડો 150 પાર પણ કરી જાય છે ત્યારે ભાવેણાવાસીઓ પણ માંગ કરી રહ્યા છે કે, શ્વાનની સંખ્યા મર્યાદિત કરવા મહાનગરપાલિકાએ કાર્યવાહી કરવી જોઈએ.