- દિલ્હીનાં ખેડૂતોને સમર્થન આપવા ખેડૂતોએ ટ્રેક્ટર રેલી માટે માંગી હતી મંજૂરી
- કોરોના મહામારીનું કારણ આગળ ધરીને રેલી માટે મંજૂરી આપવામાં આવી ન હતી
- સૂત્રોચ્ચાર કરી રહેલા ખેડૂતોની પોલીસે અટકાયત કરી લેવાતા ભારે રોષ
ભાવનગર: દિલ્હીનાં ખેડૂતોને સમર્થન આપવા ખેડૂતોએ ટ્રેક્ટર રેલીનું આયોજન કર્યું હતું. તંત્રએ મહામારીના નામે મંજૂરી આપી ન હતી. એક તરફ રાજ્યમાં ભાવનગરમાં કોરોનાનાં સૌથી ઓછા કેસ છે અને રિકવરી રેટ પણ વધુ છે, ત્યારે ટ્રેકટર રેલીમાં ભીડ ક્યાંથી થવાની તેવા આક્ષેપ સાથે રેલી યોજનાર ખેડૂતોની સરકારી તંત્રએ જોહુકમી ચલાવીને પોલીસનાં સથવારે અટકાયત કરી હતી. ખેડૂતોએ સરકાર સામે આક્ષેપ કર્યો છે કે, સરકાર ખેડૂત વિરોધી છે.
ભાવનગરમાં કોરોનાનું કારણ આગળ ધરી ખેડૂતોની ટ્રેકટર રેલીની અરજી નામંજૂર દિલ્હીનાં ખેડૂતોનાં સમર્થનમાં યોજવાના હતા રેલી
ભાવનગર શહેરની ખેડૂત એકતા મંચ સહિત ખેડૂત એકતા સમિતિ અને અન્ય ખેડૂત સંગઠનોએ ભેગા મળીને પ્રજાસતક દિનનાં રોજ ટ્રેક્ટર રેલીના આયોજન માટે તંત્ર પાસે મંજૂરી માંગી હતી. એવામાં ખેડૂતોને કોરોના મહામારીનું કારણ આગળ ધરીને મંજૂરી આપવામાં આવી ન હતી. એકબાજુ ખેડૂતો 75 ટ્રેકટર સાથે રેલીનું આયોજન કરી બેઠા હતા. પરંતુ સરકારે જોહુકમી ચલાવીને રેલીને મંજૂરી નહિ આપતા ખેડૂતોએ રોષ વ્યકત કર્યો છે.
મંજૂરી નહિ મળવા છતાં એકઠા થતા ખેડૂતોની અટકાયત
રેલી કાઢવાની મંજૂરી ન મળી હોવા છતાં ભાવનગરના સીદસર ગામે ખેડૂતો એકઠા થયા હતા અને રેલી યોજવાની તૈયારીઓ શરૂ કરી હતી. જેની ભાળ પોલીસને થતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો ગોઠવી દેવામાં આવ્યો હતો. જ્યાંથી ખેડૂતો સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા ત્યાં પોલીસ આવી પહોંચી હતી અને બાદમાં ખેડૂતોની અટકાયત કરી લેવામાં આવી હતી. ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે, દિલ્હીમાં સરકાર મંજૂરી આપતી હોય તો ભાવનગર શહેરમાં કેમ નહીં?