- સુરત જીએસટી વિભાગની ટીમનું ચેકીંગ
- ભારત રોડવેઝ નામની ટ્રાન્સપોર્ટ પેઢીએ કરી ગરબડ
ભાવનગરના રેલવે ટર્મિનસ સ્ટેશન રોડ પર આવેલી એક ટ્રાન્સપોર્ટ પેઢીની ઓફિસમાં સુરત જીએસટી વિભાગની ટીમનું ચેકીંગ હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દસ્તાવેજ અને ટ્રાન્સપોર્ટર માલિકને જીએસટી ટીમ લઈ ગઈ છે. ભારત રોડવેઝ નામની ટ્રાન્સપોર્ટ પેઢી દ્વારા જીએસટી ભરવામાં કોઈ ગડબડ કરાઈ હોવાની શક્યતા વચ્ચે મોડી રાત સુધી કામગીરી ચાલુ રહી હતી.
રોડવેઝના માલિક તેમજ બિલ બુક્સ અને અન્ય દસ્તાવેજો કબજે કર્યા
ભાવનગર શહેરમાં ગત મોડી રાત્રે સુરત જીએસટીની ટીમે ધામા નાખ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે શહેરના રેલવે ટર્મિનસ રોડ પર આવેલી ભારત રોડવેઝમાં સુરત જીએસટીની ટીમ આવી પહોંચી હતી. જીએસટીના ત્રણ કર્મચારીઓએ રોડવેઝના માલિક તેમજ બિલ બુક્સ અને અન્ય દસ્તાવેજો કબજે કર્યા હતા. માલિક અને દસ્તાવેજો લઈને ટીમ રવાના થઈ ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, સમગ્ર બનાવને લઈને જીએસટી વિભાગમાંથી પુષ્ટિ કરવામાં આવી નથી.
રેલવે ટર્મિનસ સ્ટેશન રોડ ટ્રાન્સપોર્ટરોનું હબ
ભાવનગરનું રેલવે ટર્મિનસ સ્ટેશન રોડ વિસ્તાર દાણાપીઠ તરીકે ઓળખાય છે અને દરેક ટ્રાન્સપોર્ટર પેઢીની આ વિસ્તારમાં ઓફિસો આવેલી છે. ત્યારે ગત મોડીરાત્રે જીએસટી ટીમની રેડ બાદ ટ્રાન્સપોર્ટરોમાં ચર્ચાનું મોજું ફરી વળ્યું હતું.