ભાવનગર: ગાંડી ગીરની ગોદમાંથી નીકળી લાંબી મંઝિલ કાપી ભાવનગર જિલ્લાના તળાજા તાલુકા નજીક સરતાનપર ગામ સમીપ ખંભાતના અખાતમાં સમાતી સૌરાષ્ટ્રની શેતલગંગા તરીકે લોકમુખે પ્રચલિત શેત્રુંજી નદી પર ભાવનગર જિલ્લાના પાલીતાણા નજીક ઇ.સ.1965ની સાલમાં 59 દરવાજા ધરાવતા વિરાટ ડેમનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ ડેમ ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન ગણવામાં આવે છે. કારણ કે, આ ડેમમાં સ્ટોર થતું પાણી ખેતી તથા પીવા માટે વાપરવામાં આવે છે. આ શેત્રુંજી ડેમમાં પાણીની મુખ્ય આવક ગીર પંથકમાં આવેલા ધારી તાલુકાના જંગલ વિસ્તાર વરસતા ધોધમાર વરસાદ પર નિર્ભર હોઈ છે. જો કે, ધારી તાલુકામા આવેલો ખોડિયાર ડેમ ઓવરફલૉ થયા બાદ શેત્રુંજી ડેમમાં પાણી વધુ આવે છે અને વધુ વરસાદ થવા સમયે શેત્રુંજી ડેમ ઓવરફલો થાય છે.
ભાવનગરના શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક શરૂ
ભાવનગર શહેર-જિલ્લાને પીવા અને ખેત સિંચાય અર્થે ઉપલબ્ધ કરવામાં આવતા પાણીનો મુખ્ય આધાર સ્ત્રોત એવો શેત્રુંજી ડેમ આ વર્ષે ચોમાસાના સારા પ્રારંભને કારણે 5 વર્ષ બાદ છલકાઈ જાય તેવી સંભાવના છે.
ભાવનગરના શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક શરૂ
વર્ષ 2015માં ભારે વરસાદ પડ્યો હતો અને શેત્રુંજી ડેમ ઓવરફલો થયો હતો. આ વર્ષે ગીર પંથકમાં સારો વરસાદ વરસી રહ્યો છે, જેથી અષાઢ માસના મધ્યમાં ડેમની સપાટી 22.5 ફૂટે પહોંચી છે. ડેમની ફલક સપાટી 34 ફૂટ છે અને હજૂ ચોમાસાનો સમયગાળો પણ ઘણો બાકી છે. જેથી આવનારા દિવસોમાં આવો માહોલ યથાવત રહ્યો તો, 5 વર્ષ બાદ શેત્રુંજી ડેમ ઓવરફલો થશે.