ભાવનગરઃ જિલ્લાના સિહોરના યુવકે સિહોરમાં કરેલી સ્વૈચ્છિક કાર્યને પગલે ભાવનગર મહાનગરપાલિકામાં રજૂઆત કરી છે. યુવાનની પહેલ હિન્દૂ ધર્મની માતા કહેવાતી ગાયના સંરક્ષણ હેતુસર છે. ધવલભાઈ રાજ્યગુરુ સરકારી નોકરિયાત છે પણ એક જાગૃત નાગરિક તરીકે ઘરમાં અને ઓફિસમાંથી નીકળતી નાની ચિજો ગાયના મોતનું કારણ કેમ બને છે તે બાબત માટે આગળ આવ્યા છે. નાની ચિજો માણસોના જીવનમાં મૂલ્ય ધરાવતી નથી પણ તેનો નિકાલ જે રીતે થઈ રહ્યો છે એ ઘાતક છે. ત્યારે ભાવનગરમાં વસ્તી વધુ હોવાથી આ બાબતનું ધ્યાન ગંભીરતા પૂર્વક લેવું પડે તેમ છે. હવે જોવાનું એ રહ્યું કે, આ પહેલમાં એક ડગલું ભાજપના શાસકો આગળ ચાલે છે કે કેમ..? જો કે ધવલભાઈએ શું કર્યું એ અમે તમને જણાવીએ, કારણ કે દરેક લોકો માટે સમજવું ખૂબ જરૂરી છે.
ભાવનગર જિલ્લાના સિહોરના ધવલભાઈ રાજ્યગુરુ સરકારી નોકરિયાત છે. એક સમયે નોકરી પર જતા હતા ત્યારે તેની નજર એક ગાય પર પડી હતી. ત્યા જઇને જોયું તો કચરામાં ફેંકી દેવાયેલું ભોજન અને વાળંદના કારીગરોએ ઉપયોગમાં લીધેલી બ્લેડ અને ટાંચણી એક જગ્યાએ બધું ભેગું હતું અને ગાય દ્વારા ત્યાં મોઢું મારતા ગાયના મોઢામાંથી લોહી વહેવા લાગ્યું. આ સ્થિતિ જોઈને ધવલભાઈ રાજ્યગુરુએ નિશ્ચિત કર્યું અને આવી ચિજોના નિકાલ માટે પોતાના ગામ સિહોરમાં લોખંડના બે ખાલી બેરલ મૂક્યાં હતા. જેમાં એકમાં લોખંડની ચિજો જેમ કે, બ્લેડ, ખીલ્લી, ટાંચણી અને સ્ટેપલરની પિન વગેરે નાખવાની વ્યવસ્થા ગોઠવી હતી. જ્યારે અન્યમાં તૂટેલા કાચ અને તેના ભુકા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. પોતાના ખર્ચે ધવલભાઈએ સિહોરના ચોકમાં આ બેરલ મૂક્યા છે અને તે ભરાય એટલે ભંગાર વાળાને પોતાના ખર્ચે આપી આવે છે. તેમની જાગૃતતા તેમના શહેરમાં આવી ગઈ છે. વાણંદના કારીગરો પણ બ્લેડ તે બેરલમાં નાખે છે તેમજ ફર્નિચર જેવા વેપારી અને લોખંડના વ્યવસાયકારી પણ ચિજો બેરલમાં નાખે છે. ધવલભાઈએ આ વિચાર ભાવનગર મહાનગરપાલિકાને વ્યક્ત કરી પહેલ કરવા રજૂઆત કરી છે.