- સિહોરના ટાણાની વિવેકાનંદ શાળાના ધોરણ 10ના વિદ્યાર્થીને શિક્ષકે માર માર્યો
- ફોટો મોબાઈલમાં મૂકતાં શિક્ષકે માર માર્યો
- વિદ્યાર્થીના પિતાએ શિક્ષકે માર માર્યાની ફરિયાદ નોંધાવી
ભાવનગરઃ જિલ્લાના સિહોરના ટાણા ગામે વિદ્યાર્થીને માર મારવાની ફરિયાદ વિદ્યાર્થીના પિતાએ નોંધાવી છે. મોબાઈલમાં મારો ફોટો કેમ ચડાવ્યો કહીને શિક્ષકે વિદ્યાર્થીને લાફાવાળી કરીને ઢીકાપાટુનો માર માર્યો હતો. જેથી શિક્ષક સામે ફરિયાદ સિહોર પોલીસ સ્ટેશનમાં નોંધાવાઈ છે.
વિદ્યાર્થીને મારથી બચાવતાં અન્ય શિક્ષક
ભાવનગર જિલ્લાના સિહોરના લવરડા ગામના અરવિંદભાઈ સોલંકીનો પુત્ર ટાણા સ્વામી વિવેકાનંદ શાળામાં ધોરણ 10માં અભ્યાસ કરે છે. 25 તારીખે સવારે શાળાએ ગયેલો વિદ્યાર્થી બસમાંથી ઉતરતાં સમયે તેના શાળાના શિક્ષક હિંમતભાઈ રાઠોડે તેને ઉભો રાખી કહેલું " તે મારો ફોટો કેમ મોબાઈલમાં ચડાવ્યો" અને લાફા મારી ઢીકાપાટુનો માર માર્યો હતો. શિક્ષકના મારથી બસના ડ્રાઈવર અને અન્ય શિક્ષકે વચ્ચે પડી બચાવ્યો હતો. વિદ્યાર્થીને માર મારવા બદલ તેના પિતાએ પોલીસ ફરિયાદ શિક્ષક વિરુદ્ધ નોંધાવી છે.
પિતાએ સિહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
અરવિંદભાઈ સોલંકીને એક દીકરી અને એક દીકરો છે જે વિવેકાનંદ શાળામાં અભ્યાસ કરે છે. ધોરણ 10માં ભણતાં પુત્રને 25 તારીખે શિક્ષકના માર મારવાની જાણ અરવિંદભાઈને તેમના ભાણેજ કુલદીપે સવારે 10 કલાકે કરી હતી. અરવિંદભાઈ ટાણા ગામમાં પાનની દુકાન ધરાવે છે અને સવારે દુકાને હતાં ત્યારે ફોનથી જાણ થતાં તેને હોસ્પિટલ લઈ ગયા હતાં. ત્યારે તેના પિતા હોસ્પિટલ દોડી જઇ પુત્ર પાસેથી ઘટનાની જાણકારી મેળવી હતી. પુત્ર પાસેથી ઘટના અંગે જાણ્યાં બાદ પિતા અરવિંદભાઈ સોલંકીએ શિક્ષક હિંમતભાઈ રાઠોડ સામે સિહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.