- ભાવનગર નેશનલ હાઈવેની ધીમી કામગીરી
- સાંસદ ભારતીબેન શિયાળે વહેલી તકે કામકાજ પૂર્ણ કરવાની આપી બાંહેધરી
- નારી-અધેલાઇ વચ્ચે 11 કિમી લિંકઅપ રોડને પણ મંજૂરી
ભાવનગર: ભાવનગરમાં નેશનલ હાઈવે મંજૂર થયા બાદ રાજકીય નેતાઓ અને તંત્ર દ્વારા માત્ર કામગીરી ચાલુ હોવાના દાવાઓ કરવામાં આવી રહ્યા છે. પરંતુ છેલ્લા 3 વર્ષથી સોમનાથ–ભાવનગર નેશનલ હાઈવે રોડ તથા ભાવનગરથી અમદાવાદ શોર્ટ રૂટની કામગીરી અટકી છે.
5 હજાર કરોડના ખર્ચે બની રહ્યો છે હાઇવે
સોમનાથ નેશનલ હાઈવે તેમજ ભાવનગરના નારી-અધેલાઇ સુધીનો નેશનલ હાઈવે મળીને અંદાજીત રૂપિયા 800 કરોડનાં ખર્ચે કામગીરી ચાલી રહી છે. આ ઉપરાંત ભાવનગરથી અમદાવાદ સુધીનો રૂટને પણ ઝડપી બનાવવા માટેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. તાજેતરમાં જ ભાવનગર માટે ફ્લાઈઓવર બનાવવાની મંજૂરી પણ આપવામાં આવી છે. પરંતુ સવાલ એ છે કે ઘણો લાંબો સમય થયો હોવા છતાં નેશનલ હાઈવેનું કામકાજ પૂર્ણ થયું નથી. આ અંગે ઝડપી કામગીરીના ફક્ત દાવા કરવામાં આવી રહ્યા છે.
3 વર્ષથી અટકેલી સોમનાથ નેશનલ હાઈવેની કામગીરીને મુદ્દે તંત્ર પર ઉઠ્યા સવાલો 75-80 ટકા કામગીરી પૂર્ણ થયાનો દાવો
ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળે જણાવ્યું હતું કે તેમના વિસ્તાર હેઠળ આવતા નારીથી અધેલાઇ સુધીની રૂટની કામગીરી 75-80 ટકા જેટલી પૂર્ણ થઇ ગઇ છે. અધેલાઇથી અમદાવાદ સુધીના હાઈવેમાં ધોલેરા સર વચ્ચે આવતું હોવાથી અને તેના માટે નેશનલ ઓથોરીટીને પણ રજૂઆત કરી કામગીરી આગળ વધારવાના પ્રયાસો ચાલી રહ્યા છે અને તેના ટેન્ડરો પણ બહાર પાડી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે અને નારી ગામથી અધેલાઇ વચ્ચેનો 11 કિમી લીંકઅપ રોડને પણ નેશનલ હાઈવે માટે મંજૂર કરી દેવામાં આવ્યો છે. તેમજ શહેરમાં વધતા ટ્રાફિકને લઈને એક ફ્લાઈઓવરને પણ મંજૂરી આપી દીધી છે. જો કે ઉબડખાબડ રસ્તાને લઇને લોકોને હાલમાં ખૂબ જ હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. જેને લઇને ભાવનગરના લોકો રોષે ભરાયા છે તેમજ કામગીરી ઝડપથી પૂર્ણ થાય તેવી માગ કરી રહ્યા છે.