ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાવનગર કોર્પોરેશનની લાલીયાવાડીનો જાગતો નમૂનો: કચરો જાહેરમાં ન નાખવા સમજાવતી રિક્ષા જ પધરાવી કચરામાં - Solid waste

ભાવનગરમાં મિલકત, ટ્રાફિક, દબાણ અને જાહેરમાં કોઈ કચરો ફેંકે નહીં એમ ચાર વિભાગની સમસ્યા હલ કરવા 13 વોર્ડમાં દાતાઓના સથવારે મળેલી 13 રિક્ષાઓ કચરામાં જતી રહી છે. એટલે કે બંધ હાલતમાં છે. વિપક્ષે વાર કર્યો છે, તો અધિકારી અને શાસકો પ્રજા પર દયા દાખવી હોવાનું જણાવી રહ્યાં છે. જુઓ વિપક્ષનો વાર, શાસક અને અધિકારીનો લૂલો બચાવ.

ભાવનગર
ભાવનગર

By

Published : Nov 27, 2020, 4:37 PM IST

  • ભાવનગરમાં જાહેરમાં કોઈ કચરો નાખે નહીં તેનું ધ્યાન રાખતી રિક્ષાઓ કચરામાં
  • બેટરીથી ચાલતી રીક્ષા અને તેની ટીમની રચના શા માટે ?
  • ચાર વિભાગની સમસ્યા માટે જોઈન્ટ ઇન્ફોર્સમેન્ટ ટીમ બનાવવામાં આવી હતી

ભાવનગરઃ 'પ્રજા" નેતા માટે સર્વોપરી છે પણ અહમ કેમ નથી? આ પ્રશ્ન જરૂર જાગશે. ચાલો જાણીએ પ્રજા અને લોકભાગીદારીની કિંમત નેતાઓ માટે સત્તામાં બેસી ગયા બાદ શું છે. વાત છે ભાવનગર મહાનગરપાલિકામાં 13 વોર્ડની 13 બેટરીથી ચાલતી રિક્ષાની. પણ આ રિક્ષા શા માટે હતી? કોણ એમાં સહયોગી હતું અને શા માટે હાલ રિક્ષાની વાત, એ પણ મહામારીમાં તો જાણીએ વિગતથી.

અણઘડ વહીવટને પગલે લોકભાગીદારીની રિક્ષા કચરો બની ગઈ છે

4 વિભાગ માટે એકસાથે કામ કરતી હતી રિક્ષાઓ

ભાવનગર મહાનગરપાલિકાએ 13 વોર્ડમાં 13 રિક્ષાનું આયોજન કર્યું, એ પણ બેટરીથી ચાલતી એટલા માટે કે પ્રદુષણ થાય નહીં. દરેક રિક્ષા દરેક વોર્ડમાં કામ કરવા માટે હતી. કામ શું એ પ્રશ્ન પણ ઉભો થાય પણ તમે એક જ કામ માટે કદાચ તમારા વિસ્તારમાં જોઈ હશે. પણ અમે તમને એની સંપૂર્ણ કામગીરી જણાવીએ. બેટરીથી ચાલતી રિક્ષામાં ચાર લોકોની ટીમ હતી, તેમાં એસ્ટેટ વિભાગ દબાણ પ્રશ્ને, ટ્રાફિક પ્રશ્ને પોલીસ કર્મી, કચરા માટે સોલિડ વેસ્ટનો વ્યક્તિ અને મિલકત પ્રશ્ને ઘરવેરાનો વ્યક્તિ આમ ચાર વિભાગની સમસ્યા માટે જોઈન્ટ ઇન્ફોર્સમેન્ટ ટીમ બનાવવામાં આવી હતી. પણ કામગીરી માત્ર સોલિડ વેસ્ટની થતી હતી ન કે જાહેરમાં કોઇ કચરો ફેંકે નહીં અને ફેંકે તો સ્થળ પર ટીમ દંડ જીકી કાર્યવાહી કરે, જેથી બીજું કોઈ જાહેરમાં કચરો ફેંકે નહીં.

ચાર વિભાગની સમસ્યા હલ કરવા 13 વોર્ડમાં દાતાઓના સથવારે મળેલી 13 રિક્ષાઓ કચરામાં જતી રહી છે

13 રિક્ષા કોના કોના સહયોગથી અને હવે શું દશા?

ભાવનગર મહાનગરપાલિકાની આ સરાહનીય કામગીરી માટે દાતાઓના સહયોગથી લોકભાગીદારી દ્વારા વિકસાવવામાં આવી હતી. બેટરીથી ચાલતી રિક્ષાઓ થોડો સમય ચાલ્યા બાદ આવેલી મહામારીમાં રિક્ષાને પણ બેદરકારીનો ચેપ લાગ્યો અને હાલ રોગગ્રસ્ત હોય તેમ ખંડેર હાલતમાં કચરા સમાન બની ગઈ છે. રિક્ષાઓ ભંગારમાં અપાઈ હોય તેવી સ્થિતિમાં જોવા મળી રહી છે. લોકોની ભાગીદારી અને દાતાઓના દાનની કિંમત કચરામાં ઠલવાઇ હોય તેવું પ્રતીત થાય છે.

શું કહે છે અધિકારી, તમે પણ વિચારશો?

ભાવનગર મહાનગરપાલિકાનો સોલિડ વેસ્ટ વિભાગ રિક્ષાનું સંચાલન કરે છે. મહામારીમાં બાકીના વિભાગોને કશું પડી નથી. ત્યારે જવાબદાર અધિકારી કહે છે 13માંથી 2 રિક્ષામાં બેટરી ખરાબ હોવાથી બંધ છે અને બાકીની રિક્ષા પણ હાલ મહામારીમાં લોકો ત્રસ્ત છે. આ જવાબ અધિકારીનો છે. કચરો જાહેરમાં ફેંકવો, મિલકત વેરાનો પ્રશ્ન, ટ્રાફિક કે પોલીસની જરૂરિયાત કે દબાણના પ્રશ્નો એકબાજુ છે. અધિકારીનું કહેવું છે કે, બીજા વિભાગોના કર્મચારીઓ ફાળવે અને ઊચ્ચ કક્ષાએથી હવે આગળ વિચારણા બાદ શરૂ કરશું. ટૂંકમાં અધિકારીના મતે મહામારીમાં પ્રજા બિચારી છે અને માસ્ક ડિસ્ટન્સ જેવા નિયમોથી ત્રસ્ત છે એવામાં આવો વધુ એક માર ક્યાં નાખવો તેવું કાંઈક કહેવું હોય તેમ લાગે છે. અધિકારી એમ નથી સ્વીકારતાં કે અણઘડ વહીવટને પગલે લોકભાગીદારીની રિક્ષા કચરો બની ગઈ છે.

વિપક્ષનો વાર અને શાસકનો લૂલો બચાવ

કોંગ્રેસે કડવી ભાષામાં વિરોધ કર્યો હતો કે લોકોએ દાતાઓએ પૈસા આપીને રિક્ષાઓ શહેરમાં ગંદકી ન થાય તેવા હેતુથી આપી છે અને અણઘડ વહીવટના પગલે રિક્ષાઓ કચરા સમાન બની ગઈ છે. 13માંથી 2 રિક્ષા બંધ છે ત્યારે 11 વોર્ડમાં કામગીરી શક્ય હતી. પણ પ્રજાના હિતનું કાર્ય કરવામાં શાસકોને રસ નથી. બસ વાતો અને પૈસાનો ધુમાડો કરવામાં રસ હોય તેવું લાગી રહ્યું છે.

શાસક પક્ષ બચાવમાં ઉતર્યો છે અને ગોળ ગોળ જવાબ આપતા મેયરે પણ ક્યાંક એવો ઈશારો કર્યો હતો કે મહામારીમાં ક્યાંક પ્રજા પર વધુ ડામ નથી આપવો. પણ હકીકત એવી છે કે મેયર એમ નથી કહી શકતા, કે ચાર વિભાગની ટીમના ચાર સભ્યો એકત્રિત કરવામાં હાલાકી ઉભી થઇ રહી છે. માટે રિક્ષાઓને દીવાલના ટેકે મૂકી દેવામાં આવી છે. કહેવાય છે એમ જુવાનીના જોશમાં જૂનાગઢનો ડુંગર તો ચડી જવાય પણ જ્યારે ઉતરવાનું આવે ત્યારે સાચી હકીકતનો ખ્યાલ આવે છે કે હવે બીજી વખત ચઢાણ જરૂર મુશ્કેલ હશે. તેમ જોશમાં રિક્ષાઓની યોજના તો થઈ ગઇ પણ હવે તેને યથાવત રાખવી ખૂબ મુશ્કેલ છે.

ABOUT THE AUTHOR

...view details