- હોસ્પિટલની મુલાકાત બાદ કલેક્ટરે જવાબ આપવાનો ઇનકાર કર્યો
- વાયરલ વિડીયોને લઈને પ્રજામાં રોષ ફેલાયો છે
- સુપ્રીટેન્ડન્ટે લુલો બચાવ કરવાના પ્રયત્નો કર્યા
ભાવનગર: સર ટી હોસ્પિટલમાં શંકાસ્પદ કોરોના દર્દીઓને પ્રાથમિક તપાસ સીધી જમીન પર આપવામાં આવે છે, વધુ બેડ હોવાના બણગાં ફૂંકતા તંત્રની પોલ છતી થઈ ગઈ છે. દર્દીના સગાએ બનાવેલા વીડિયોએ હાહાકાર મચાવ્યો અને હવે હોસ્પિટલ લુલા બચાવમાં લાગી ગઈ છે કલેકટર સહિત આરોગ્યકર્મિનો કાફલો સર ટી હોસ્પિટલ દોડી આવ્યો હતો. જ્યારે વીડિયોની ગંભીરતા સમજાઈ હતી તો દર્દીના સગા તંત્રની પોલ ખોલીને રોષ પ્રગટ કરી રહ્યા છે.
સર ટી હોસ્પિટલમાં અવ્યવસ્થા ભાવનગર સર ટી હોસ્પિટલનો વીડિયો થયો વાયરલ
ભાવનગર ધહેરમાં રોજના 60 ઉપર કેસ આવી રહ્યા છે અને સર ટી હોસ્પિટલમાં 275 બેડ હોવાના બણગાં ફૂંકતા તંત્રની પોલ એક દર્દીના સગાએ રાત્રીનો વીડિયો ઉતારીને છતી કરી દીધી છે. વાયરલ વીડિયોને શક્તિસિંહે ટ્વીટ કર્યું અને બાદમાં સર ટી હોસ્પિટલમાં દર્દીઓની હાલત ઘેટાં બકરા જેવી હોય તેવું પ્રતિત કરતો વીડિયો ખૂબ વાયરલ થયો છે. વીડિયોમાં OPD વિભાગમાં પ્રાથમિક તબક્કે તપાસ કરીને બિલ્ડીંગની લોબીમાં નીચે સુવડાવી દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે તો રાત્રે ડોકટર પણ નથી. વાયરલ વિડીયોને લઈને પ્રજામાં રોષ ફેલાયો છે.
આ પણ વાંચો:સર ટી હોસ્પિટલમાં શરદીના લક્ષણોના આધારે દર્દીને ધકેલાય છે કોરોના વોર્ડમાં
વાયરલ વીડિયો ઉતારનાર આસિફ સલોતના સવાલ
ભાવનગરના મહુવાથી કોરોનાની શંકાના આધારે દર્દીને લઈ આવેલા આસિફ સલોત મહુવાના રહેવાસી છે. રાત્રીના સમયનો વીડિયો તેમણે જ ઉતાર્યો હતો અને દર્દીને લઈને આવ્યા બાદ OPDમાં દોઢ કલાક સુધી ડોકટર નહિ હોવાથી દર્દી પરેશાન થયું તેથી વિડીયો ઉતારીને તંત્રના કાન મસળવા પડ્યા છે, તેમ આસિફ ભાઈનું કહેવું છે. દિવસે દર્દીને પાણી અને નાસ્તો પણ આપતા નથી, દર્દી મરી જાય પછી પાણી નાસ્તો આપશે તેવો સવાલ આસિફે કર્યો છે.
કલેક્ટરે લીધી હોસ્પિટલની મૂલાકાત
ભાવનગર સર ટી હોસ્પિટલની સ્થિતિ જે રીતે સુપરિટેન્ડન્ટ અને અધિકારીઓ દર્શાવી રહ્યા છે તેનાથી ઉલટી છે. મોતની સંખ્યા આશરે રોજ 10 થી વધુ હોવા છતાં સાંજે તંત્ર માત્ર 1 અથવા તો મોત જ નથી થયાં તેવું દર્શાવી રહ્યું છે. વીડિયો વાયરલ થયાં બાદ કલેક્ટર ગૌરાંગ મકવાણા, કમિશનર એમ એ ગાંધી અને શહેર જિલ્લા આરોગ્ય અધિકારી હોસ્પિટલ દોડી આવ્યા હતા. કલેક્ટરે સુપ્રીટેન્ડન્ટ ડો. જયેશ બ્રહ્મભટ્ટ સાથે વાતચીત કરી સમીક્ષા કરી છે. જો કે, કલેક્ટરે સર ટી હોસ્પિટલની મુલાકાત પહેલા જણાવ્યું છે કે, રાત્રે વીડિયો વાયરલ થયો તેમાં શિફ્ટ બદલાતી હતી તેથી ડોક્ટરો ન હતા, એટલે તેવી કોઈ ગંભીર સ્થિતિ નથી પણ હોસ્પિટલની મૂલાકાત બાદ કલેક્ટરે કોઈ પણ જવાબ આપવાનો ઇનકાર કર્યો છે અને બાદમાં ઇન્ટરવ્યૂ મીડિયાને આપશે તેમ જણાવ્યું હતું.
આ પણ વાંચો:ભાવનગરની હોસ્પિટલોમાં ઓપરેશન થિયેટરોની શું છે સ્થિતિ જાણો..
સુપ્રીટેન્ડન્ટે કર્યો લુલો બચાવ
ભાવનગર સર ટી હોસ્પિટલમાં બે ત્રણ દિવસથી એવા વીડિયો અને ફોટો સામે આવ્યા છે કે, જેમાં હોસ્પિટલની ભૂલ છતી થાય છે. આ મુદ્દે સુપ્રીટેન્ડન્ટ ડો. જયેશ બ્રહ્મભટ્ટ સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, અમે દર્દીને નીચે સુવડાવ્યા નથી. એમની ટ્રીટમેન્ટ થઈ ચૂકી છે માટે તેમને શિફ્ટ કરવાની પ્રક્રિયા ચાલી રહી હતી. વધુ દર્દી એક સાથે આવે એટલે તેની તપાસ થાય અને પછી તેને ઓક્સિજન આપવો જરૂરી હોય છે, પછી બેડ પર શિફ્ટ કરવામાં આવે છે, આ કોઈ અવ્યવસ્થા નથી.