- વેળાવદર ખાતેના રાષ્ટ્રીય કાળિયાર અભ્યારણમાં કાળિયારોનો વીડિયો વાયરલ
- અભ્યારણમાં અને આસપાસમાં 7500થી વધુ કાળિયારો કરે છે વસવાટ
- વેળાવદરના માર્ગ પર એકસાથે કતારમાં રોડ ક્રોસ કરી રહેલા કળિયાર પડ્યા નજરે
ભાવનગર : ભાલ વિસ્તારમાં આવેલાં કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન પાર્ક વેળાવદર પાસે એક સાથે 3 હજાર જેટલા કાળિયાર રસ્તા પરથી મસ્તી સાથે કુદાકુદ કરતા પસાર થતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. કાળિયારોનો આ નજારો જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત થઇ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ વીડિયોના વખાણ કર્યા હતા.
રાષ્ટ્રીય કાળિયાર ઉદ્યાનમાં એકસાથે 3 હજારથી વધુ કાળિયાર રસ્તો ઓળંગતા પડ્યા નજરે વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ
ચોમાસા દરમિયાન પાર્ક તેમજ પાર્ક બહારના આરક્ષિત વિસ્તારોમાં કાળિયારના ઝૂંડ એક સાથે વિહાર કરતા તેમજ મસ્તી કરતા નજરે ચડે છે, પરંતુ હાલમાં જ એકસાથે 3 હજાર જેટલા કાળિયાર વેળાવદર નજીકના રસ્તા પરથી મસ્તી સાથે પસાર થઇ રહ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. એક સાથે મોટી સંખ્યામાં કાળિયાર અને એ પણ મસ્તી સાથે જોવાનો લાહવો ભાગ્યે જ જોવા મળતો હોય છે. આ વીડિયો વેળાવદર રોડ પરથી પસાર થતા કોઈક વ્યક્તિ દ્વારા મોબાઈલ કેમેરામાં કેદ કરવામાં આવ્યો છે.
વડાપ્રધાન મોદીએ કર્યા વખાણ
એક સાથે 3 હજારથી પણ વધુ કાળિયાર રસ્તો ઓળંગી રહ્યા છે તે વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. ત્યારે આ વીડિયોના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વખાણ કર્યા હતા. વડાપ્રધાને ટ્વિટ કરીને વીડિયો સાથે લખ્યુ કે Excellent!.