- સૌરાષ્ટ્રમાં જામનગર, રાજકોટ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ
- વરસાદમાં લોકોની ઘરવખરી તેમજ ખેડૂતોના પાકને મોટું નુક્સાન
- ચિત્રકૂટ ધામ તરફથી મોરારીબાપુની 25 લાખ અર્પણ કરવાની જાહેરાત
ભાવનગર: સૌરાષ્ટ્રનો દરિયા કિનારો 1600 કિલોમીટર લાંબો છે. જેમાં અનેક વખત વરસાદી માહોલ વાવાઝોડા સહિતથી લોકો પ્રભાવિત થાય છે. તાજેતરમાં જામનગર, જૂનાગઢ, રાજકોટ, વગેરે વિસ્તારોમાં એક જ દિવસમાં 22 ઇંચ સુધીની અતિવૃષ્ટિ થઈ હતી અને તેના લીધે અનેક ગામોમાં જળ પ્રલય જેવી સ્થિતિ સર્જાઈ છે. કુદરતના આ પ્રકોપના લીધે લોકોને અનેક પ્રકારે નુક્સાન થવા પામ્યું છે.
સૌરાષ્ટ્રમાં વરસાદથી નુક્સાન ભોગવનારા લોકોની સહાય માટે મોરારી બાપુએ મુખ્યમંત્રી રાહત ફંડમાં કર્યું 25 લાખનું દાન ટૂંક સમયમાં રકમ કરાશે જમા
આ સ્થિતિમાં હર હંમેશની માફક મોરારીબાપુએ પોતાની સંવેદના પ્રગટ કરી છે. તેમણે સૌરાષ્ટ્રના અસરગ્રસ્ત વિસ્તારોની માહિતી મંગાવી છે અને દાર્જિલિંગ ખાતે ચાલી રહેલી રામકથાની વ્યાસપીઠ તરફથી તુલસીપત્ર રૂપે અસરગ્રસ્ત લોકોની સહાય માટે શ્રી ચિત્રકૂટધામ દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂપિયા 25 લાખની સહાય મોકલવા જણાવ્યું છે. થોડા સમયમાં ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં આ રકમ જમા કરાવી દેવામાં આવશે.