આદપુર ખાતે રાજ્યકક્ષાના 47માં ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણના પ્રદર્શન-2019નો પ્રારંભ શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. 1 ડિસેમ્બરથી 4 ડિસેમ્બર સુધી ચાલનારા આ પ્રદર્શનનું યજમાન આદપુર ખાતેની સરકારી પ્રાથમિક શાળા બની છે. જે ભાવનગર જિલ્લા માટે ગૌરવની વાત કહી શકાય.
શિક્ષણ પ્રધાને 47માં ગણિત વિજ્ઞાન પ્રદર્શનને ખુલ્લું મુક્યું ટકાઉ વિકાસ માટે વિજ્ઞાન અને ટેકનોલોજીના મુખ્ય વિષય સાથે પ્રદર્શન કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય અને મહેમાનોના સ્વાગત સાથે કરવામાં આવ્યો હતો. આ તકે જૈન સાધુ અને સાધ્વી ભગવંતો તેમજ મોટી સંખ્યામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
આ પ્રસંગે પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે, કોઈ સરકારી શાળા આવા ભવ્ય અને રાજ્યકક્ષાના પ્રદર્શનનું યજમાન પદ કરી રહી હોય તેવું પ્રથમવાર જોઈ રહ્યો છું. સાથે જ પ્રધાન અને મહાનુભાવો દ્વારા બુકનું વિમોચન તેમજ પ્રધાનના હસ્તે આદપુર સરકારી શાળાના શિક્ષકો-આયાજકોનું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું.
પ્રદર્શનને ખુલ્લું મુકી પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ રાજ્યના 33 જિલ્લાની શાળાઓ-સંસ્થાઓના 800 વિદ્યાર્થીઓ અને 400 શિક્ષકો સાથે 400 જેટલી કૃતિઓનું પ્રદર્શન નિહાળ્યું હતું.
ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન-2019માં ટકાઉ કૃષિ પદ્ધતિઓ, સ્વચ્છતા અને સ્વાસ્થ્ય, સંશોધન વ્યવસ્થાપન, ઔધોગિક વિકાસ, ભવિષ્યમાં પરિવહન અને પર્યટન જેવી બાબતોના મોડેલની ખાસ નોંધ લેવામાં આવી રહી છે.