- ટ્રકોની હડતાલની અસર શિપબ્રેકરો પર થઈ
- બે દિવસથી લોકલ સિવાયના ટ્રકો નહિ આવતા અલંગ બંધ
- બે દિવસથી ટ્રકોના પગલે કામગીરી ઠપ્પ અને કરોડોનું નુકસાન
ભાવનગર: અલંગ સોસિયા શિપબ્રેકીંગ યાર્ડ એશિયાનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ છે. શિપબ્રેકીંગ યાર્ડમાંથી માલસામાન માટે પરિવહન કરતા ટ્રક ચાલકોની હડતાલ છેલ્લા પંદર દિવસથી ચાલી રહી છે. બન્ને એસોસિએશન તરફથી નમતું નહિ મૂકવાના કારણે રોજનું કરોડોનું નુકસાન થઈ રહ્યું છે. અલંગમાં ટ્રાન્સપોર્ટરોએ પંદર દિવસથી ટ્રકના પૈડા થંભાવીને લોડિંગ ચાર્જ મામલે હડતાલ પાડી છે અને ટ્રક માલિકો અને એસોસિએશનનું કહેવું છે કે, લોડિંગ ચાર્જ લેવામાં ના આવે.
અલંગમાં ટ્રક હડતાલથી રોજનું કરોડોનું નુકસાન આ પણ વાંચો- અલંગમાં જોખમી રીતે માલ પરિવહન કરતા 11 વાહનો ડિટેઇન
ટ્રક એસોસિએશનનું કડક વલણ લોડિંગ ચાર્જ પાછો લે
અલંગ-સોસિયા ટ્રાન્સપોર્ટ ટ્રક એસોસિએશનના પ્રમુખ સુરેશ જારીયાએ જણાવ્યું હતું કે હાલમાં પાંચ હજાર ટ્રકોના પૈડા થંભી ગયા છે અને રોજનું ત્રણ કરોડનું નુકસાન થઇ રહ્યું છે. પંદર દિવસ થયા છતાં પણ શિપ બ્રેકરે કોઈ નિર્ણય કર્યો નથી. ત્યારે ટ્રાન્સપોર્ટ એસોસિએશનની માંગ છે કે, એક ટન પર 120 રૂપિયા લોડિંગ ચાર્જ લેવામાં આવે છે, તે દૂર કરવામાં આવે ત્યાં સુધી હડતાલ સમેટવામાં આવશે નહીં.
શિપબ્રેકર એસોસિએશન મક્કમ, અમે તો નિયમ મુજબ મજૂરીના પૈસા લઈએ છે
અલંગ-સોસિયા ટ્રાન્સપોર્ટ એસોસિએશન હડતાલના પગલે શિપ બ્રેકિંગ એસોસિએશનના પ્રમુખ રમેશભાઈ મેંદપરાએ જણાવ્યું હતું કે, ટ્રકોમાં માલસામાન ભરવા માટે જે મજૂરો રોકવામાં આવે છે, તે મજૂરોને વેતનના ભાગરૂપે આ લોડિંગ ચાર્જ લેવામાં આવી રહ્યો છે, અન્ય બીજો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. લોડિંગ ચાર્જ વ્યાજબી છે, પરંતુ છેલ્લા બે દિવસથી રાજ્ય બહારના ટ્રાન્સપોર્ટરોના ટ્રકને પણ પ્રવેશ નહીં આપતા અલંગના પ્લોટોમાં માલસામાનનો ભરાવો થયો છે અને રોજનો આશરે 30થી 40 કરોડનું નુકસાન ઉદ્યોગને થઈ રહ્યું છે.
અલંગમાં ટ્રક હડતાલથી રોજનું કરોડોનું નુકસાન આ પણ વાંચો- છેલ્લાં 6 માસમાં Alangમાં 108 જહાજો ભંગાણ અર્થે આવ્યાં
તંત્રએ ભૂમિકા ભજવી પણ મહેનત પાણીમાં ગઈ
અલંગ-સોસિયામાં ચાલતી ટ્રક હડતાલના પગલે ભાવનગરના જિલ્લા કલેક્ટર યોગેશ નિર્ગુડેએ જણાવ્યું હતું કે, શિપબ્રેકર અને ટ્રાન્સપોર્ટેશન એસોસિએશનના સભ્ય સાથે યોજેલી બેઠક બાદ પણ નિવેડો આવ્યો નથી. કલેક્ટરે જણાવ્યું હતું કે, એ લોકોનો આંતરિક મામલો હોવાથી તંત્ર કશું કરી શકે નહીં, છતાં કોશિશ કરીએ છે, પરંતુ લોકલ સિવાયના અન્ય રાજ્યના આવતા ટ્રકને કોઈ રોકે નહીં અને રંજાડે નહીં તે માટે હાલ પોલીસ તંત્રને જાણ કરવામાં આવી છે. જો કે, કલેક્ટરે જણાવ્યું હતું કે, એક સામાન્ય મુદ્દાના કારણે બન્ને તરફની જીદથી આ મામલો ઉકેલાયો નથી, પરંતુ ટૂંક સમયમાં ઉકેલાઇ જશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.