ભાવનગર :બોટાદના રોજીદમાં એક પછી એક દેશી દારૂ પીધા પછી (Botad Lathakand Case) સારવારમાં જતા લઠ્ઠાકાંડ ખુલ્યો હતો. ધંધુકા, ભાવનગર અને બોટાદ ત્રણ જિલ્લાના હોસ્પિટલમાં દર્દીઓનો રાફડો ફાટ્યો હતો. ભાવનગરમાં બીજા દિવસે સવારે સુધીમાં 49 લોકોને અલગ અલગ ગામડામાંથી લાવવામાં આવ્યા હતા. સવાર સુધીમાં કુલ 8ના મૃત્યુ ભાવનગર સર ટી હોસ્પિટલમાં થયા છે. જ્યારે અન્ય બોટાદ અને ધંધુકા સહિત ગણતરી કરવામાં આવે તો આધારભૂત સુત્રોમાંથી 22ના મૃત્યુની પુષ્ટિ સામે આવી રહી છે.
કેમિકલ ભેળવવામાં આવ્યું - લઠ્ઠાકાંડ સામે આવ્યા બાદ ગુજરાત સરકાર અને પોલીસ એક્શનમાં આવીને દારૂના ચાલતા ધંધામાં સંડોવાયેલા બુટલેગરોની ધરપકડો શરૂ કરી છે. IG અશોક યાદવ બોટાદ અને રોજીદ ગામની મુલાકાત લઈ SITની રચના કરી દીધી છે. જોકે (Bhavnagar Civil Hospital) લઠ્ઠાકાંડમાં દારૂનું પીઠું ચોકડી ગામ હોવાનું સામે આવી રહ્યું છે. રોજીદ નજીકના ચોકડી ગામ ATSના નિશાના પર આવી ગયું છે અને બે લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. ATS એ શંકા વ્યક્ત કરી છે કે મિથેનોલ નામનું કેમિકલ ભેળવવામાં આવ્યું અને લઠ્ઠાકાંડ સર્જાયો છે.
આખી રાત એમ્બ્યુલન્સના સાયરો ગૂંજ્યા - ભાવનગર સહિત ત્રણેય જિલ્લાની હોસ્પિટલોમાં આખી રાત એમ્બ્યુલન્સના સાયરનો ગુંજતા રહ્યા હતા. રોજીદ સહિત આસપાસના ગામડાઓમાં 108ને સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. ભાવનગરની સર ટી હોસ્પિટલમાં 49 દર્દીઓ લાવવામાં આવ્યા હતા. જ્યારે આજ સવાર સુધીમાં 8ના મૃત્યુ નિપજયા હતા. ત્રણેય જિલ્લામાં કુલ 22 મૃત્યુ થયાનું આધારભૂત સુત્રોમાંથી સામે આવી રહ્યું છે. ઘટનાને પગલે સરકારમાંથી હજુ કોઈએ સત્તાવાર મૃત્યુનો આંકડો કે ભોગ બનેલાઓની યાદી જાહેર કરવામાં આવી નથી. ભાવનગર સર ટી હોસ્પિટલમાં મોડી રાત્રી સુધી દર્દીઓ એમ્બ્યુલન્સમાં આવતા રહ્યા હતા અને એમ્બ્યુલન્સ દોડતી રહી હતી.