- કચ્છના શખ્સને વેકસીન અને સર્ટિફિકેટ મળ્યા અને મોબાઈલ નંબરધારક ભાવનગરનો
- મોબાઈલમાં OTP અને કોવિશિલ્ડ વેકસીન લીધાના ટેક્સ્ટ મેસેજ આવ્યાં
- દીપેનભાઈએ પોતાના મોબાઈલ નંબરના ગેરકાયદે ઉપયોગના પગલે ટ્વીટ કર્યું
- કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયાને ટ્વીટ કરી કહ્યું ફર્જીવાડા બંધ કરાવો
ભાવનગરઃ ભાવનગરનો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં સાબિત થાય છે કે સરકારના વેકસીનેશનમાં છીંડા છે. ભાવનગરના દીપેન ઉપધ્યાયના બે મોબાઈલ નંબરમાંથી એક બિઝનેસ મોબાઈલ નંબરમાં કચ્છના શખ્સને વેકસીન અપાઈ ગઈ અને સર્ટિફિકેટ પણ એનાયત કરી દેવામાં આવ્યું છે દીપેનભાઈએ કેન્દ્રીય આરોગ્યપ્રધાનને ટ્વીટ કર્યું છે અને માગ કરી છે કે તપાસ થવી જોઈએ. દીપેનભાઈના બિઝનેસ નંબર પર એક ટેક્સ્ટ મેસેજ આવ્યો જેમાં OTP આવ્યો અને બીજી બે ચાર મિનિટમાં બીજો મેસેજ આવ્યો કે તમને કોવિશિલ્ડ વેકસીન મળી ગઈ છે અને સર્ટિફિકેટ મેળવી શકો છો.દીપેનભાઈએ સર્ટિફિકેટ જોતા આ શખ્સ કચ્છના માધાપરનો હોવાનું જાણવા મળ્યું હતું. કચ્છના શખ્સને સર્ટિફિકેટ પણ મળી જતાં દીપેનભાઈ ગોલમાલ બાબતે ખુદ ચિંતામાં છે.
દીપેનભાઈએ મનસુખભાઈને ટ્વીટ કર્યું
દીપેનભાઈ પોતાના બીજા નમ્બરમાંથી રજિસ્ટ્રેશન કરાવીને વેકસીનનો એક ડોઝ લઇ ચુક્યાં છે. દીપેનભાઈએ આરોગ્ય વિભાગની વેકસીનની ગોટાળાવાળી સિસ્ટમનો વિરોધ કર્યો અને કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખભાઇ માંડવીયાને કર્યું છે કે આ ફર્જીવાડા બંધ કરાવો અને તપાસ કરાવો. આ બાબતે ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી આર. કે. સિન્હા સાથે વાતચીત કરતા તેમણેે જણાવ્યું હતું કે " સર્ટિફિકેટ કચ્છના શખ્સને મળ્યું હોય તો અમારે કશું લાગેવળગે નહીં" જો કે ઘટનાની જાણ કરતાં અધિકારીએ વધુમાં કહ્યું હતું કે " OTP આવે તો બીજી વ્યક્તિને મળવાપાત્ર થાય જ નહીં. જેના મોબાઈલમાં OTP આવ્યો હશે એને જ આપ્યો હોય". તંત્ર પાસે OTP ના નામે છટકબારી જરૂર છે તે સાબિત થાય છે પણ હકીકત એવી પણ છે કે દીપેનભાઈએ OTP આપ્યો હોય તો કેન્દ્રીય આરોગ્યપ્રધાનના ટ્વીટર પર ટ્વીટ કરવાની હિંમત તેઓ દાખવે નહીં.