- ભાવનગરમાં વાવાઝોડાના પવન અને વરસાદથી તબાહી
- ઠેર-ઠેર વૃક્ષો ધરાશાયી થયા તો થાંભલાઓ પણ પડ્યા
- પિતા-પુત્રીના દીવાલ પડવાથી મૃત્યુ
- વૃક્ષો પડવાથી પક્ષીઓનાં થયા મોત
ભાવનગર:શહેર અને જિલ્લામાં તૌકતે વાવાઝોડાની ભયંકર અસર જોવા મળી હતી. ગઈકાલ રાતથી બીજા દિવસે આજે 12 કલાક સુધી ભારે પવને તારાજી સર્જી છે, તો જિલ્લામાં પિતા-પુત્રીના મૃત્યુનો બનાવ બન્યો છે. શહેર અને જિલ્લામાં વીજળી ગઈકાલથી ગુલ છે અને લોકો વાવાઝોડાની અસરથી સ્તબ્ધ છે.
ભાવનગરથી જૂઓ ગ્રાઉન્ડ રિપોર્ટ આ પણ વાંચો: જામનગરથી જૂઓ ગ્રાઉન્ડ રિપોર્ટ: જિલ્લામાં અત્યાર સુધીમાં તૌકતે વાવઝોડાની કેવી છે અસર
વાવાઝોડાની અસરથી તારાજીથી વૃક્ષો ધરાશાઈ
ભાવનગર શહેર અને જિલ્લામાં આવેલા તૌકતે વાવાઝોડાના પગલે તારાજી સર્જાઈ છે. શહેર અને જિલ્લામાં પવનની ગતિ 70 km આસપાસ રહી છે. જેને પગલે શહેર અને જિલ્લામાં ઠેર-ઠેર વૃક્ષો ધરાશાઈ થયા છે. શહેરના રાજકોટ હાઇ-વે પર પ્રેસ ક્વાર્ટર, જેઇલ રોડ જેવા વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થયા છે. જો કે ફાયર અને પોલીસ અને મહાનગરપાલિકાની ટીમો તાત્કાલિક વૃક્ષો હટાવીને રસ્તા ખુલ્લા કરી રહ્યા છે.
અડધા ચોમાસા જેટલો વરસાદ કેટલાક તાલુકામાં નોંધાયો
ભાવનગરમાં તૌકતે વાવાઝોડું અમરેલી-ઢસા થઈ બોટાદ તરફ વળવાને પગલે ભાવનગર જિલ્લાના ગારીયાધાર, જેસર, મહુવા,ઉમરાળા અને વલ્લભીપુર તાલુકામાં વરસાદ વધુ નોંધાયો છે અને પવનના પગલે વૃક્ષો અને કાચા મકાનોના છાંપરાઓ ઉડ્યાના કિસ્સા બન્યા છે. તાલુકામાં સવારે 10 સુધીનો વરસાદ જોઈએ તો ઉમરાળા 143 mm, જેસર 100mm, પાલીતાણા 188mm, ભાવનગર 125mm, મહુવા 151mm, વલ્લભીપુર 110 mm નોંધાયો છે. જ્યારે વરસાદ 10 કલાક બાદ પવન સાથે શરૂ રહ્યો હતો. જે 12 વાગ્યા સુધી સતત વરસતો હોવાથી અડધા ચોમાસા જેટલો વરસાદ નોંધાઇ ચુક્યો છે.
આ પણ વાંચો: વાવાઝોડાંની તૈયારીને લઇને અમદાવાદ ફાયર વિભાગ સજ્જ
વાવાઝોડાને પગલે જાનહાનીનો બન્યો બનાવ
ભાવનગર શહેરમાં વાવાઝોડાને પગલે વૃક્ષો થાંભલાઓ અસંખ્ય પડવાના બનાવ બન્યા છે. ત્યારે પાલીતાણાના બડેલી ગામે દીવાલ પડવાના બનાવથી પિતા-પુત્રીના મોત થયા છે. પાલીતાણા TDO રીંકલબેન ચૌધરી સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, બડેલી ગામે દીવાલ ઘસવાથી ગામમાં રહેતા વિઠ્ઠલભાઇ રાઠોડ (ઉંમર વર્ષ-39) અને તેમની પુત્રી પિંકીબેન વિઠ્ઠલભાઇ રાઠોડ (ઉમર વર્ષ-14)નું મૃત્યુ થયું છે. શહેરમાં અનેક પક્ષી પણ મોતને ભેટ્યા હોવાના કિસ્સા સામે આવ્યા છે, તો જીવદયા પ્રેમીઓએ પક્ષીને બચાવવા કમર કસી હતી. આમ, ભાવનગરમાં તૌકતે વાવાઝોડાએ 17મેની રાતે અને 18 મેના બપોર સુધી રૌદ્રરૂપ ધારણ કર્યું હતું. જેમાં જાનમાલની નુકશાની અને વૃક્ષો સહિતની નુકશાની થઈ છે.