- ભાવનગર યાર્ડમાં 1550 મગફળીના ટેકાના ભાવ કરતા ઊંચા ભાવ બોલાયાં
- ટેકાની ખરીદી માટે હજુ રજિસ્ટ્રેશન 4619 થયાં
- મગફળીના ખેડૂતોને મળી રહ્યો છે 1550નો ભાવ
ભાવનગરઃ ભાવનગર યાર્ડમાં (Bhavnagar Market Yard ) મગફળીની રોજની ત્રણ હજાર ગુણીની આવકનો પ્રારંભ થયો છે. આંધ્રપ્રદેશ અને બિહારના રાજ્યના વેપારીઓ મગફળીની ખરીદી કરી રહ્યા છે. ટેકાના ભાવ કરતા વધુ 850થી 1550 સુધી ભાવ મળતા ખેડૂતોમાં આનંદ છે. ટેકાના ભાવમાં હજુ 4619 ખેડૂતોનું રજિસ્ટ્રેશન થયું છે. સૌરાષ્ટ્ર સહિત ભાવનગરમાં મગફળીના વાવેતર બાદ યાર્ડમાં આવકમાં વધારો થયો છે. ભાવનગરમાં હાલ 3 હજારથી વધુ ગુણીની આવક થતા હવે મગફળી લાવવા પર પ્રતિબંધ મુકવાની સ્થિતિ આવી શકે છે. જો કે મગફળીના ભાવ ટેકાના ભાવ કરતા ઊંચા મળતા અને બહારના રાજ્યના વેપારીની ખરીદીથી ખેડૂતો ખુશ છે.
મગફળીની આવક યાર્ડમાં કેટલી અને કેટલું વાવેતર હતું
ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક 3 હજાર કરતા વધી ગઈ છે રોજ 500 થી 700 ગુણી પડતર રહે છે. યાર્ડમાં હાલ ભાવ 850 થી લઈને 1550 રૂપિયા સુધી મળી રહ્યાં છે. ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે. ભાવનગર જિલ્લામાં મગફળીનું વાવેતર 1.19 લાખ હેકટરમાં કરવામાં આવ્યું હતું. જેમાં પાછોતરા વરસાદના પગલે કપાસને નુકશાન ગયું હતું. પરંતુ મગફળીને પાણી વધુ મળવાથી સારું ઉત્પાદન થયું હોવાનું સાબિત થઈ રહ્યું છે તેમ યાર્ડના સેક્રેટરી દોલુભા રોયલાએ જણાવ્યું છે.