- ગાંધીનગરથી વિજિલન્સ ટીમ ત્રાટકીને 13 લાખના સાધનો કબજે કર્યા
- ગાંધીનગર વિજિલન્સ મીઠી વીરડીમાં ખનીજ ચોરી કરતા
- સ્થળ પર રેડ પાડી સાધનો ઝડપી સ્થાનિક તંત્રને મોઢે તમાચો માર્યો
ભાવનગર: મીઠી વીરડીમાં ગૌચર જમીનમાં ચાલતા રેતી ચોરીની ખનીજ ચોરી પકડવા ગાંધીનગરથી વિજિલન્સ ટીમ ત્રાટકીને 13 લાખના સાધનો કબજે કર્યા છે. પાંચ ગામની ગૌચરમાં ચાલતા કૌભાંડનો પર્દાફાશ કરીને સ્થાનિક તંત્રને સાથે રાખીને ક્યાંક રેડ કરી મોઢે તમાચો માર્યો હોય તેમ લાગી રહ્યું છે.
એક ચારણાની કિંમત આશરે 3 લાખ આસપાસની છે
ગાંધીનગર વિજિલન્સ ટીમે અલંગ પોલીસ, જિલ્લા ખાણ ખનીજ વિભાગ, મામલતદારને સાથે રાખીને રેડ કરતા ગાંધીનગર વિજિલન્સ ટીમને રેડ દરમ્યાન રેતી ચોરી માટે રાખેલા 13 લાખના સાધનો મળી આવ્યા હતા. જેમાં રેતી ચાળવાના ચારણા 5 કબજે લેવામાં આવ્યા હતા. એક ચારણાની કિંમત આશરે 3 લાખ આસપાસની છે. તંત્રએ ક્રેઇનની મદદથી ચારણાઓ બહાર કાઢીને કબજે લીધા હતા. જોકે, રેડમાં ખનીજ ચોર ફરાર થઈ ગયા હતા.
આ પણ વાંચો:ખનીજ ચોરી પર સરકાર ડિજિટલ માધ્યમથી નજર રાખશે, 3 લાખ વાહનોમાં GPS સિસ્ટમ મૂકાશે
કિંમતી ખનીજ કાઢી વેચી રહ્યા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી
ભાવનગર જિલ્લાના મીઠી વીરડી ગામ પાસે સીમમાં આવેલી ગૌચર જમીન લાખણકા, જસપરા તથા ખદરપર ગામના ગૌચરણ તરીકે આ જગ્યા ઓળખાય છે. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના મીઠી વીરડી ગામની સરકારી પડતર જમીન (સરકારી ગૌચર)માં લાંબા સમયથી ખનીજ માફીયાઓ દ્વારા જમીનમાં ગેરકાયદે ખનન કરી બેરોકટોક કિંમતી ખનીજ કાઢી વેચી રહ્યા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. જેને પગલે વહેલી સવારે સ્ટેટ વિજિલન્સની ટીમ ત્રાટકી સ્થાનિક વહીવટી તંત્ર સાથે મસમોટા અલંગ પોલીસ કાફલા સાથે મીઠી વીરડી ગામે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરતા ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાયો હતો.
આ પણ વાંચો:ટંકારાના ઘુનડા ગામની સીમમાં ખનીજ વિભાગની રેડ, 7 વિરુદ્ધ ગુનો નોંધાયો
દિવસભર ચાલેલી કામગીરી બાદ સાંજે કામગીરી સ્થગિત કરવામાં આવી
મીઠી વીરડીમાં સુઆયોજીત નેટવર્ક ચાલતું હોવાનાં કારણે દરોડા પૂર્વે જ માહિતી મળી જતાં મોટાભાગના ચારણા ધારકોએ પોતાનો સરસામાન ટીમ આવે તે પહેલાં જ સગેવગે કર્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. દિવસભર ચાલેલી કામગીરી બાદ સાંજે કામગીરી સ્થગિત કરવામાં આવી હતી અને 5 જેટલાં ચારણાઓ કબજે કરવામાં આવ્યા હતા. આ રેડ દરમિયાન સંદીપ ખોપર ખાણ ખનીજ અધિકારી, રોયલ્ટી ઇન્સ્પેક્ટર નિલેશ ગોહિલ, સર્વેયર ગુંજન શર્મા, સિક્યુરિટી ગાર્ડ વાળાભાઈ, ડ્રાઇવર સમીરભાઈ તથા ભાવનગર અલંગ પોલીસના PI પટેલ તથા અલંગ પોલીસ સ્ટેશનનો સ્ટાફ જોડાયા હતો.