- દિવાળી સીઝનમાં ગાંઠિયાની માંગ પર મોંઘવારીની અસર
- ભાવનગર બજારમાં 15થી વધુ પ્રકારના ગાંઠિયા
- ભાવનગરમાં ડુંગળી ગાંઠિયા અને અંગૂઠિયા ગાંઠિયાની બોલબાલા
ભાવનગર: ભાવનગર (Bhavnagar) એટલે ગાંઠિયાથી ઓળખાતું શહેર. ભાવનગરીઓનો દિવસ ગાંઠિયા (Ganthiya)થી ઊગે છે અને રાત્રી પણ ગાંઠિયાથી થાય છે. ગાંઠિયામાં ભાવ વધારો થતા લોકો આ વખતે ઓછી માત્રામાં ગાંઠિયા ખરીદશે, પણ ગાંઠિયા આરોગશે જરૂર. ગાંઠિયાની મજા પર મોંઘવારીની શું અસર છે? કેટલા પ્રકારના ગાંઠિયા છે અને આ વર્ષે કયા ગાંઠિયા બજારમાં આવ્યા જાણો વિગતથી આ અહેવાલ.
ડુંગળીવાળા ગાંઠિયાની ભારે માંગ
આ વર્ષે કોરોના બાદ બજારમાં ગાંઠિયાની નવી નવી વેરાયટીઓ આવી છે. બજારમાં ડુંગળીવાળા ગાંઠિયાની પણ ભારે માંગ છે. ભાવનગરી ગાંઠિયા દિવાળીના સમયમાં મીઠાઈની સાથે ભેટમાં આપવામાં આવે છે. મોંઘવારીમાં પણ ભાવનગરના ગાંઠિયા લોકોની પ્રથમ પસંદગી છે. જો કે ભાવવધારાના કારણે નાગરિકોએ ગાંઠિયાની ખરીદીમાં ઘટાડો કર્યો છે. આ વખતે દિવાળીની સીઝનમાં ગ્રાહકોમાં ઘટાડો આવ્યો છે.
દિવાળી દરમિયાન ભાવનગરી ગાંઠિયાનું ધૂમ વેચાણ
ભાવનગર શહેરમાં ગાંઠિયાની અનેક મોટી દુકાનો આવેલી છે. શહેરમાં ગાંઠિયાના વેચાણમાં મોટું નામ મનુભાઈનું છે. આ વખતે ગાંઠિયાની ખરીદીમાં 15થી 20 ટકા ઘટાડો જોવા મળી રહ્યો છે. ભાવનગરના ગૃહિણી પૂજાબેને જણાવ્યું હતું કે, ગાંઠિયાની ખરીદી મોંઘવારીમાં પણ કરવાનું ચૂકતા નથી. તેલ-પેટ્રોલના ભાવમાં વધારાના પગલે કિલોના બદલે પોણા કિલો ગાંઠિયા લઈએ છીએ, પણ ભેટ કે આરોગવા માટે ગાંઠિયાની ખરીદી તો કરીએ જ છીએ.