ભાજપની જેમ કોંગ્રેસે સાવરણો લીધો હાથમાં, ભાજપ પર કર્યા આક્ષેપ - મહાનગરપાલિકા ચૂંટણી
ભાવનગરમાં વિપક્ષમાં બેઠેલી કોંગ્રેસે મહાનગરપાલિકાની ચૂંટણી માથે આવતા પોતાની વિરોધની ભૂમિકામાં આવી ગઈ છે. કોંગ્રેસે ઐતિહાસિક ઇમારતોની જાળવણી નહીં કરાતી હોવાના આક્ષેપ સાથે ભાજપની જેમ સાવરણો હાથમાં લઈ લીધો છે.
ભાવનગરઃ કોંગ્રેસે ભાવનગર શહેરમાં રજવાડાની ભેટ સમાન ઐતિહાસિક સ્થાપત્યોની કાળજી સ્થાનિક સત્તાધીશો અને તંત્ર નથી લઇ રહ્યા તેવો આક્ષેપ કર્યો છે. કોંગ્રેસે આ મુદ્દા પર પોતાની ભૂમિકા વિરોધપક્ષની ભજવવા માટે કાર્યક્રમ ઘડી કાઢ્યો હતો. કોંગ્રેસે ભાવનગરની આન, બાન અને શાન કહેવાતી ગંગાદેરીની સફાઇ માટેની ઝુંબેશ ઉપાડીને સ્થાનિક તંત્રના મોં પર તમાચો મારવાની કોશિશ કરી હતી.
કોંગ્રેસે ભાવનગરની રક્ષિત સ્મારકમાં આવતી ગંગાદેરીના સ્વચ્છતા માટે અભિયાન ઉઠાવ્યું હતું. ભાજપ બાદ હવે કોંગ્રેસે સાવરણો હાથમાં લીધો છે. ગંગાદેરી ખાતે વિરોધ પક્ષના નેતા, શહેર કોંગ્રેસ પ્રમુખ પીઢ કોંગ્રેસે આગેવાનોએ હાથમાં સાવરણો લઈને સ્વચ્છતા કરી હતી. આ સાથે જ આક્ષેપ કર્યો હતો કે, વિકાસની વાત કરતી ભાજપના રાજમાં શહેરના ઐતિહાસિક સ્મારકો અને ઇમારતો સ્વચ્છ નથી. તેમજ તેની જાળવણી કરવામાં પણ ભાજપ સરકાર નિષ્ફળ રહી છે.