ભાવનગરઃ શહેરની અંધ ઉદ્યોગ શાળાના બાળકોને દ્રષ્ટિ નહીં હોવા છતાં પણ તેઓ સર્જન કરવામાં હંમેશા અગ્રેસર રહે છે. દ્રષ્ટિ નહીં હોવા છતાં સમાજમાં રહીને આત્મનિર્ભર રહેતા પ્રજ્ઞાચક્ષુ બાળકોને આજે કોરોના મહામારીએ આત્મનિર્ભર બનતા પણ રોકી લીધા છે. જેથી દ્રષ્ટિ વિહોણા વિદ્યાર્થીઓની પડ્યા પર પાટું પડવા સમાન સ્થિતિ બની છે.
દેશમાં કોરોના મહામારીએ સંપૂર્ણ રીતે સ્વસ્થ લોકોને પણ પાંગળા કરી દીધા અને દેશના વડાપ્રધાને તમામ લોકોને આત્મનિર્ભર બનવાની પ્રેરણા આપી છે, પરંતુ સમાજમાં ઘણો એવો વર્ગ પણ છે, જે હંમેશા આત્મનિર્ભર બનવા માટે ઝઝૂમતો આવ્યો છે. આવો જ વર્ગ એક ભાવનગરના અંધ ઉદ્યોગ શાળાના પ્રજ્ઞાચક્ષુ બાળકોનો છે. જેની પાસે દ્રષ્ટિ નથી, પરંતુ ઈશ્વરે આપેલી હૃદયની દ્રષ્ટિથી તેઓ કોઈને કોઈ સર્જન કરતાં આવ્યાં છે.
ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળામાં વર્ષોથી નવા આવતા પ્રજ્ઞાચક્ષુ બાળકો રાખડીઓ બનાવે છે, ત્યારે ચાલુ વર્ષે શાળાઓ બંધ હોવાથી આ બાળકોને પોતાના ઘરે જવાની ફરજ પડી છે. જેથી આ બાળકોએ આત્મનિર્ભર બનવાની તક ગુમાવી છે. હાલમાં અંધ ઉદ્યોગ શાળા બહાર સ્ટોલ ઉભો કરવામાં આવ્યો છે. જેમાં ગત વર્ષની રાખડીઓ વેચાણ માટે મુકવામાં આવી છે