- ભાવનગરમાં પાછોતરો વરસાદ 45 ટકા થતા 84.82 ટકા વરસાદ નોંધાયો
- સીઝનનો 606 mm વરસાદ સામે 513 mm વરસાદ નોંધાયો
- સીઝન કરતા વધુ વરસાદ આવવાથી લીલા દુષ્કાળ જેવી સ્થિતિ થઇ
ભાવનગર: શહેરમાં ભાદરવાનો ભરપુર વરસાદ નોંધાયો છે. શહેર જિલ્લામાં મેઘરાજાની મહેરથી ખેતીના પાકને ફાયદો અને હવે વરસાદની અતિશ્યોક્તિ થવાથી લીલા દુષ્કાળ જેવી સ્થિતિ થઈ છે. બાજરી, કપાસને નુક્સાનની શક્યતા છે, તો મગફળીના પાકને પણ નુક્સાન થાય તેમ છે. જો કે, મહુવા, ભાવનગર, ગારીયાધાર અને ઘોઘામાં સીઝન કરતા વધુ વરસાદ આવવાથી લીલા દુષ્કાળ જેવી સ્થિતિ છે.
વરસતા વરસાદથી ક્યાંક ફાયદો તો ક્યાંક નુક્સાનની સ્થિતિ સર્જાઈ
સિહોર અને તળાજામાં 50 ટકા વરસાદ હોવાથી ખેડૂતોને ફાયદો થઇ રહ્યો છે. 22 તારીખથી વરસેલા વરસાદ બાદ એકાંતરે આજે 27 સપ્ટેમ્બરે મેઘરાજાએ જિલ્લાના 10માંથી 9 તાલુકામાં વરસતા વરસાદથી ક્યાંક ફાયદો તો ક્યાંક નુક્સાનની સ્થિતિ સર્જાઈ છે. 27 સપ્ટેમ્બરના રોજ સવારે 6થી બપોરના બે સુધી ચાર તાલુકામાં એક ઇંચ જેટલો વરસાદ તો અન્ય પાંચ તાલુકામાં અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
ક્યાં કેટલો વરસાદ અને શું ટકાવારી
ભાવનગર શહેર અને જિલ્લામાં જોઈએ તો દસ તાલુકામાં વરસાદ નોંધાયો છે. દસ તાલુકામાં થયેલા વરસાદમાં 100 ટકા વરસાદ ચાર તાલુકામાં નોંધાઇ ચૂક્યો છે. આ ચાર તાાલુકા ભાવનગર, ગારીયાધાર, ઘોઘા અને મહુવા છે. વરસાદની ટકાવારી ઘોઘામાં 104.87ટકા અને મહુવામાં 104.44 ટકા, ગારીયાધારમાં 103.50 ટકા અને ભાવનગર તાલુકામાં 102.36 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે. જ્યારે સૌથી ઓછો વરસાદ દસ તાલુકામાંથી બે તાલુકા સિહોર અને તળાજામાં નોંધાયો છે. આ બે તાલુકામાં જોઈએ તો સિહોરમાં 57.90 ટકા અને તળાજા 58.33 ટકા નોંધાયો છે અને ત્યાં હજુ 40થી 30 ટકા વરસાદની જરૂરિયાત છે.