- ભાવનગરની બજારમાં યુવાન પર છરી વડે હુમલો
- બંન્ને યુવાનો વચ્ચે દિવાળી પર થઈ હતી તકરાર
- ધોળા દિવસે થયેલા હુમલાથી લોકોમાં ભયનો માહોલ
ભાવનગરઃ શહેરમાં અસામાજિક તત્વોને પોલીસનો ડર ના હોઈ તેવી સ્થિતિઓ સર્જાતી જોવા મળી રહી છે. ત્યારે ભાવનગરની મુખ્ય બજારની પીરછલ્લા શેરીમાં ધોળા દિવસે યુવાન પર હુમલો કરવામાં આવ્યો છે. જો કે આરોપી ત્યાં જ પકડાઈ ગયો હતો. ધોળા દિવસે ભરી બજારમાં અસામાજિક તત્વોની હિંમતથી લોકોમાં ભય ઉભો થયો છે.
ભાવનગરની બજારમાં ધોળા દિવસે યુવાન પર થયો હુમલો શહેરની મુખ્ય વોરા બજારની પીરછલ્લા શેરીમાં રહેતા મેહુલ કડીવાલા ઉપર એક શખ્સ દ્વારા ધોળા દિવસે છરીના ઘા જીકતા બજારમાં ચકચાર મચી ગઈ હતી. આ બનાવને લઈને આસપાસના લોકોએ હુમલો કરનારા હેપ્પી વોરા નામના શખ્સને ઝડપી લીધો હતો. બંન્ને યુવાનો વચ્ચે દિવાળીના પર્વ પર થયેલી માથાકૂટને પગલે હુમલો થયો હોવાનું સામે આવ્યું છે.
શહેરની બજારમાં યુવાન પર છરીથી હુમલો
શહેરની વોરા બજારમાં આવેલી પીરછલ્લા શેરીને જાગતી બજાર કહેવામાં આવે છે, ત્યારે બપોરના સમયે પોતાની પત્ની અને બાળક સાથે નીકળેલા મેહુલ નામના ૨૬ વર્ષના યુવાન પર છરી વડે હુમલો થયો હતો, મેહુલ પર હેપ્પી વોરા નામના શખ્સે હુમલો કર્યો હતો. આ હુમલો કરનારા આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. તેમજ ઈજાગ્રસ્ત મેહુલને સર તી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. છરીના ઘા વધારે લાગ્યા હોવાથી મેહુલ ગંભીર હાલતમાં હતો. જો કે તેને સમયસર હોસ્પિટલ લઇ જતા બચાવ થયો છે. પરંતુ શરીરના પડખાના ભાગે વધુ ઈજા થવાથી ગંભીર હાલતમાં છે.
ઘટના માટે પ્રાથમિક કારણ વ્યક્તિગત તકરાર માનવામાં આવે છે
મેહુલ અને હેપ્પી બંન્ને પીરછલ્લા વિસ્તારમાં ચિનુ આંગડીયાની પેઢીની બાજુમાં રહે છે, આ બંન્ને યુવકો વચ્ચે દિવાળી સમયે નાની એવી બાબતમાં માથાકૂટ થઇ હતી. જેની દાઝ રાખીને હેપ્પીએ મેહુલ પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. મેહુલની પત્ની પીરછલ્લામાં દુકાનમાં વસ્તુ લેવા ગઈ ત્યારે બહાર એકલા ઉભેલા મેહુલને હુમલો કરવામાં આવ્યો હતો. જો કે બનાવને લઈને પોલીસે કાર્યવાહી કરી છે. હવે લોકોમાં ઉભો થયેલો ભય પોલીસ કેવી રીતે દુર કરશે તેને લઈને પણ ચર્ચા જાગી છે.