- ભાવનગર જિલ્લાના ખેડૂતે 20 વિઘામાં તલના પાકને આગ ચાંપી
- મોટાભાગે ખેડૂતો ખેતી અને સિંચાઈ માટે વરસાદ પર આધાર રાખે છે
- તૈયાર કરેલા પાકોનું ધોવાણ થતાં ખેડૂતોને નુકસાન
ભાવનગર : સમગ્ર રાજ્યમાં ચાલુ વર્ષેં ચોમાસાની સીઝનમાં ભારે વરસાદને પગલે પાક નિષ્ફળ જતા ખેડૂતોને મોટાપાયે નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે.ત્યારે ભાવનગરના સિહોર તાલુકામાં પણ અતિવૃષ્ટિને કારણે ખેડૂતોના પાકોને નુકશાની થતાં હાલત કફોડી બની છે.
સિહોરના વાવડી ગામના બળવંતસિંહ ગોહિલ નામના ખેડૂતના તલ સહિતનો પાક અતિ વરસાદને કારણે નિષ્ફળ થયો છે. ખેડૂતે જાતે જ ખેતરમાં પાકને દીવાસળી ચાંપી સરકાર પાસે વળતરની માંગ કરી છે. સિહોર તાલુકાના ગામોની આજીવિકા ખેતી આધારીત છે. જેથી ખેડૂતો શિયાળુ,ઉનાળુ અને ચોમાસામાં અલગ-અલગ પાકોનું વાવેતર કરે છે.
ભાવનગર જિલ્લાના ખેડૂતે ૨૦ વિઘામાં તલના પાકને આગ ચાંપી જેમાં મોટાભાગે ખેડૂતો ખેતી અને સિંચાઈ માટે વરસાદ પર આધાર રાખે છે.ચાલુ વર્ષે રાજ્યના મોટાભાગના તાલુકાઓમાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના તલ - કપાસ સહિતના પાકોને મોટાપાયે નુકસાની થતાં ખેડૂતોની હાલત કફોડી બની છે.
સિહોર તાલુકામાં પણ અતિવૃષ્ટિના કારણે અનેક ગામોના ખેતરોમાં પાણી ફરી વળતાં તૈયાર કરેલા પાકોનું ધોવાણ થતાં ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે.ત્યારે સરકાર દ્વારા તાત્કાલીક નુકશાની અંગે સર્વે હાથ ધરી વળતર ચુકવવામાં આવે તેવી માંગ ઉઠી છે. સમગ્ર ઘટનાને લઈ ખેડુત આગેવાન ઘનશ્યામ મોરી સહિત ખેડૂત આગેવાનો વાવડી ગામે દોડી આવ્યા હતા.
તલનો ઉભો પાક નિષ્ફળ ગયો છે અને એ કાઢવા માટે હવે મજૂરી દેવી પણ પોસાય તેમ નથી. તલનો પાક બળી જતા બે થી ત્રણ લાખ રૂપિયાનું નુકસાન થતાં ખેડૂતે પાકમાં આગ ચાંપી છે. સરકાર મોટી મોટી વાતો કરે છે પરંતુ વાડી સુધી હજુ કોઈ ગ્રામસેવક કે ખેતી અધિકારીઓ સર્વે માટે ડોકાવા પણ આવ્યા નથી. સરકાર કોઈ પણ પક્ષની હોય પણ ખેડૂતને ન્યાય મળવો જોઈએ.આવી સ્થિતિમાંજ ખેડૂતોને આપઘાત કરવો પડે છે જે વાત યાદ રાખવી જરૂરી છે.