- સૌથી પહેલી કોલેજ ભાવનગરની બની વેક્સિનેશનમાં અગ્રેસર
- 700 લોકોએ વેક્સિનેશન કેમ્પમાં લીધો પ્રથમ ડોઝ
ભાવનગર: શહેરની નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે કોરોના વેક્સિનેશનના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગરની પ્રથમ એવી કોલેજ જેને વિદ્યાર્થી અને તેના વાલી માટે કેમ્પ યોજવામાં આવ્યો છે. મહાનગરપાલિકાના હેલ્થ સેન્ટરનો સહયોગ લઈને વેક્સિનેશન કરવામાં આવ્યું હતું અને વેક્સિન લીધા બાદ દરેકને શુભેચ્છાઓ આપવામાં આવી હતી.
વેક્સિનેશન કેમ્પમાં 700 લોકોએ પહેલો ડોઝ લીધો
ભાવનગરમાં રાષ્ટ્રીય સેવા યોજનાના ઉપક્રમે કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ અને તેના પરિવાર માટે ભાવનગર પૂર્વ વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના શિક્ષણ અને મહિલા બાળ કલ્યાણ વિભાગના મંત્રી વિભાવરીબેન દવેના પ્રયાસ અને મહાનગરપાલિકાના સહયોગથી દેવરાજનગર મહિલા કોલેજના હોલ ખાતે વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોરોના મહામારીમાં નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર દ્વારા ઉકાળા વિતરણ, કીટ વિતરણ, કોરોનાના વિશે સાચી જાણકારી માટે જાગૃતિના કાર્યક્રમો વર્ષ દરમિયાન કરવામાં આવ્યા હતા. ત્યારે હવે કોલેજના વિદ્યાર્થીઓ, અધ્યાપકો, કર્મચારીઓ વાલીઓ અને શુભેચ્છકો સહિત 700થી વધુ રસીનો પહેલો ડોઝ લઈ કોરોના સામે લડવા સક્ષમ બન્યા હતા.