- શનિવારે ગુજરાતનો સ્થાપના દિવસ
- 1 મેથી 18 વર્ષથી ઉપરના વ્યક્તિઓને અપાશે વેક્સિન
- પ્રથમ તબક્કામાં 10 જિલ્લાના યુવાનોને વેક્સિન આપવામાં આવશે
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સંક્રમણને અટકાવવા માટે વેક્સિનેશન ખૂબ જ આવશ્યક છે. જેથી તમામ યુવાનોને પણ વેક્સિન મળી રહે તે માટે આવતીકાલે શનિવારથી 18 વર્ષથી ઉપરના તમામ યુવાનોને વેક્સિન આપવામાં આવશે. જોકે, રાજ્યમાં હાલ જે જિલ્લાઓમાં સૌથી વધુ કોરોના સંક્રમણ છે, તેવા 10 જિલ્લાઓમાં જ વેક્સિનેશન શરૂ થશે. જે માટે જરૂરી વેક્સિનનો જથ્થો આગામી 30 મે સુધી રાજ્ય સરકાર દ્વારા મંગાવવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા વેક્સિનનો ઓર્ડર પણ આપવામાં આવ્યો છે. વેક્સિનેશનના જથ્થા માટે આગામી 30 મે સુધી નિયમિત જરૂરિયાત પ્રમાણે વેક્સિનનો જથ્થો અમદાવાદ આવી પહોંચશે.
વેક્સિનના અઢી કરોડ ડોઝનો ઓર્ડર આપવામાં આવ્યો
18 વર્ષથી વધુ વયના યુવાનો કોરોના સામે સુરક્ષિત રહે તે હેતુથી જલ્દીથી તમામનું વેક્સિનેશન થઈ જાય તે માટે રાજ્ય સરકાર દ્વારા વેક્સિનના અઢી કરોડ ડોઝનો ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. રાજ્યને વેક્સિનનો ડોઝ નિયમિત રીતે મળી રહે તે પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આજે શુક્રવારે સાંજ સુધીમાં વેક્સિનના ત્રણ લાખ ડોઝ હવાઈમાર્ગે ગુજરાત આવી પહોંચશે અને આવતીકાલે શનિવારથી 10 જિલ્લાઓમાં યુવાનોને વેક્સિન આપવાનો પ્રારંભ થશે.