- કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનું રાજીનામું
- AMCની ચૂંટણીમાં ઉમેદવારોને લઈને ખેડાવાલાને મનદુઃખ
- કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને આપ્યું રાજીનામું
અમદાવાદઃ કોંગ્રેસ માટે 'એક સાંધે, ત્યાં તેર તૂટે' જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મેન્ડેટ આપવાને લઈને કોંગ્રેસમાં ઘમસાણ મચી ગયું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસ મોટા ભાગના વોર્ડના ઉમેદવારો જાહેર કરી શકી નહોતી. છેલ્લે ઇલેક્શન ફોર્મ ભરવાના સ્થળે કોંગ્રેસે ઉમેદવારોને મેન્ડેટ મોકલી આપ્યા હતા.
બહેરામપુરામાં પોતાની પસંદગીના ઉમેદવાર ન ઉભા રખાતા ઇમરાન ખેડાવાલા નારાજ
કોંગ્રેસ અનેક જૂથમાં વહેંચાઈ ચુકી છે. લઘુમતી વોટબેન્ક ધરાવતા વિધાનસભા વિસ્તાર જમાલપુર-ખાડીયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પોતાના મતવિસ્તાર બહેરામપુરામાં પોતાની પસંદગીના ઉમેદવારોને ટિકિટ નહીં અપાતા નારાજગી વ્યક્ત કરી હતી. જેથી આજે સેમવારે તેમણે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખને રાજીનામું ધરી દીધું છે.
કોંગ્રેસ પર દબાણ લાવવાનું ઇમરાન ખેડાવાલાનું નાટક ?
જો કે, ધારાસભ્ય તરીકે ઇમરાન ખેડાવાલાએ વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપવાનું થાતું હોય છે, પરંતુ ઇમરાને તેમ કર્યું નથી. એટલે હજી સુધી તે ધરાસભ્ય છે. બહેરામપુરા વિસ્તારમાંથી કોંગ્રેસે 06 ઉમેદવારને મેન્ડેટ આપ્યું હતું. જેથી 2 ઉમેદવારનું ફોર્મ પાછું ખેંચવા અને પોતાની તરફના ઉમેદવારોને જ ચૂંટણી લડાવવા ઇમરાન ખેડાવાલાએ કોંગ્રેસ પર દબાણ લાવવા આ પગલું ભર્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તો ઇમરાન ખેડાવાલાના સપોર્ટ વગર જમાલપુર- ખાડીયા વિધાનસભાના 3 વોર્ડ પૈકી લઘુમતી બહુમતી ધરાવતા 2 વોર્ડ જમાલપુર અને બહેરામપુરા જીતવા કોંગ્રેસ માટે અશક્ય છે.