રાજ્યમાં હવે મીઠાઈના બોક્સ પર સમય સીમા લખવી ફરજિયાત: એચ. જી. કોશિયા
કેન્દ્ર સરકારના ખાદ્ય ખોરાક વિભાગ દ્વારા કડક નિયમ બનાવવામાં આવ્યો છે ત્યારે સમગ્ર દેશમાં 1 ઓક્ટોબરથી આ અમલ લાગુ કરવામાં આવ્યો છે. જે બાબતે હવે ગુજરાત રાજ્યમાં પણ 1 ઓક્ટોબર એટલે કે આજના દિવસથી બજારમાં વેચાણમાં ખુલ્લી મીઠાઈના ઉપયોગની તમામ માહિતી બોક્સ ઉપર રજૂ કરવી પડશે. જે બાબતે રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્ઝ વિભાગે આજથી આ નિયમ રાજ્યમાં પણ અમલ કરવાની જાહેરાત કરી છે.
ગાંધીનગર :કેન્દ્ર સરકારના નવા નિયમ મુદ્દે અને ગુજરાતમાં તેની અમલવારી બાબતે રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના વડા એચ જી કોશિયાએ જણાવ્યું હતું કે જે દુકાનદારો ખુલ્લી મીઠાઈ વેચતાં હોય તેવા તમામ વેપારીઓએ એક્સપાયર ડેટ લખવી ફરજિયાત છે, આ બાબતે જિલ્લા તંત્રને પણ જાણ કરી દેવામાં આવી છે. જ્યારે ફરસાણ એસોસિએેશનને પણ આ મુદ્દે જાણ કરી છે. આમ હવે રાજ્યમાં મીઠાઈના વેપારીઓએ મીઠાઈ ક્યાં સુધી ખાવાલાયક છે તે અંગેની જાણકારી પ્રદર્શિત કરવી પડશે. નહીં કરે તો તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.