- 09 ઓગસ્ટથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત
- ઉત્તર ભારતમાં 15 દિવસ અગાઉ થાય છે શ્રાવણની શરૂઆત
- જન્મ-મૃત્યુના દેવને પ્રસન્ન કરવાનો માસ
અમદાવાદ: ગયા વર્ષે કોરોનાને કારણે શ્રાવણ માસમાં પણ શિવાલય બંધ રહ્યા હતા. જો કે, આ વર્ષે શિવ શંકરના ભક્તોને ભગવાનની આરાધના કરવાનો પૂરો અવસર મળશે. ભગવાન શંકરને સૃષ્ટિની દરેક વસ્તુ પ્રિય છે, તો તેમના ભક્તો પ્રિય હોય તે સ્વાભાવિક છે. ભગવાન શંકર માત્ર જલધારાથી પણ પ્રસન્ન થઈ જાય છે. તેથી જો તેમની સેવા અર્ચના અન્ય દેવોની જેમ કરવામાં આવે તો મહાદેવ પ્રસન્ન થાય જ છે.
જ્યોતિષાચાર્ય પ્રકાશ જોશી કેવી રીતે કરશો ભગવાન શિવને પ્રસન્ન?
જ્યોતિષાચાર્ય પ્રકાશ જોશીએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, શ્રાવણ માસ દરમિયાન શિવ મહિમ્ન સ્તોત્ર, લઘુરુદ્ર પૂજા, ભગવાનને પ્રિય એવા બિલ્વપત્રથી શિવ શંકરની પૂજા, રૂદ્રાભિષેક કરવો જોઈએ, જેથી મહાદેવ અતિ પ્રસન્ન થાય છે. આ ઉપરાંત પંચાક્ષર મંત્રનો જાપ બને તેટલો કરવો જોઈએ.
આ પણ વાંચો- શિવ શંકરને વધુ પ્રિય એવા પવિત્ર શ્રાવણ માસની 9ઓગસ્ટથી શરૂઆત
પંચામૃતનું પૂજામાં મહત્વ
ભગવાન શંકરની પંચામૃત એટલે કે, દૂધ, દહી, ઘી, મધ અને સાકરથી પૂજા કરવામાં આવે છે. ભગવાનનો દૂધથી અભિષેક કરવાથી મનુષ્યની કામનાઓ પૂર્ણ થાય છે. ભગવાનનો દહીંથી અભિષેક કરવાથી મનુષ્યને દિવ્યતા પ્રાપ્ત થાય છે. ભગવાનનો ઘીથી અભિષેક કરવાથી શત્રુ મુક્તિ મળે છે. જ્યારે મધથી અભિષેક કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ રીતે ખાંડથી શિવ શંકરનો અભિષેક કરવાથી મનને શાંતિ પ્રાપ્ત થાય છે, તેમજ લાંબા સમયની મનોકામનાઓ પૂર્ણ થાય છે.
ખુબ જ ભોળા ભગવાન છે શિવ
શિવ શંકર ખૂબ જ જલ્દી પ્રસન્ન થતા દેવ છે. પરંતુ સાથે ખૂબ જ જલ્દી કોપાયમાન થતાં પણ દેવ છે. તેથી શિવ-શંકરના ભક્તોએ એક બાબતનું ધ્યાન રાખવું કે, મહાદેવને અસત્ય સહેજ પણ પસંદ નથી. તેથી અસત્યનો ત્યાગ કરવો જોઈએ. ભોળાનાથની કથા જાણીતી છે કે, એક શિકારીએ અનાયાસે તેમને બિલ્વપત્ર અર્પણ કર્યા અને ભોળાનાથ પ્રસન્ન થયા, તો હેતુપૂર્વક અને શ્રદ્ધાથી અર્પણ કરાયેલ બિલ્વપત્રથી ભોળાનાથ ચોક્કસ પ્રસન્ન થાય છે. બિલ્વપત્રમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ છે. તેની સાથે મહાલક્ષ્મી પણ પ્રસન્ન થાય છે.