- માતા નવદુર્ગાનું તેજોર્મય ચૈતન્ય, સ્વરુપ માતા કાત્યાયની
- જાણો માતા કાત્યાયનીનું પ્રાક્ટય કથાનક, સ્વરુપવર્ણન
- મહિષાસુરમર્દિની માતા નવદુર્ગાનું છઠ્ઠું સ્વરુપ માતા કાત્યાયની
આમદાવાદ : આપણાં પૌરાણિક શાસ્ત્ર જણાવે છે તેમ માઁ કાત્યાયનીના સ્વરુપ ધ્યાનમાં નવદુર્ગા(Navratri 2021)નું અનુપમ સ્વરુપ છે. તેમાં માતા કાત્યાયની ચતુર્ભૂજ છે. તેમના એક હસ્તમાં કમળ ધારણ કરેલું છે, બીજા હાથમાં તલવાર ધારણ કરી છે જેનું નામ ચંદ્રહાસા છે. મા કાત્યાયનીના તૃતીય અને ચતુર્થ હસ્ત અભયમુદ્રા અને વરદમુદ્દા દર્શાવે છે. માતાની સવારી સિંહ પર છે.
ઋષિ કાત્યાયનને વરદાનમાં દિકરી તરીકે મહાશક્તિ માઁ દુર્ગા મળ્યા - માતા કાત્યાયનીના સ્મરણ અર્થે આ શ્લોક જણાવાયો છે.
ચંદ્રહાસોજ્જવલકરા શાર્દૂલવરવાહન
કાત્યાયની શુભં દદ્યાદદેવી દાનવઘાતિની
વિશ્વકર્ત્રીં, વિશ્વભર્ત્રીં, વિશ્વહર્ત્રીં, વિશ્વપ્રીતા
વિશ્વાર્ચિતા, વિશ્વાતીતા, કાત્યાયન સૂતે નમોસ્તુતે
ઋષિ કાત્યાયનને વરદાનમાં દિકરી તરીકે દુર્ગા મળ્યા
નવરાત્રિના છઠ્ઠા દિવસે કાત્યાયની દેવી ઉપાસના કરવામાં આવે છે. કાત્યાયન ઋષિએ તપસ્યા કરીને દેવી દુર્ગાને પુત્રી સ્વરૂપે પ્રાપ્ત કર્યા. કાત્યાયની દેવીની ઉપાસનાથી ચાર પુરુષાર્થની પ્રાપ્તિ થાય છે. તે પાપનાશિની દેવી છે. છઠના દિવસે ફક્ત સાધકનું મન આજ્ઞાચક્રમાં સ્થિર થતા પરમ શાંતિનો અનુભવ થાય છે. કાત્યાયનીને શોધકોની ઉપાસના દેવી માનવામાં આવે છે. તે વ્રજની અધિષ્ઠાત્રી દેવી છે. ગોપીઓએ કૃષ્ણની પ્રાપ્તિ માટે કાત્યાયની દેવીની ઉપાસના કરી હતી એ બુધ ગ્રહનું શમન કરનારી પરમ સત્યની નજીક લઈ જનાર દેવી છે.
પીળો રંગ દેવીને ભાવે
કાત્યાયની દેવી સિંહ પર સવાર છે. દેવીનું રૂપ ભવ્ય અને દિવ્ય છે. તેમણે અભય મુદ્રા અને વર મુદ્રા દર્શાવી છે. એક હાથમાં તલવાર ધારણ કરી છે. આ તેમનું સગુણ સ્વરૂપ છે. કાત્યાયની દેવીનએ સાંજના સમયે છઠના દિવસે પીળાં વસ્ત્ર, હળદર, પીળા ફુલ અને પીળા નૈવેધ ધરાવવા જોઈએ.
માઁ કાત્યાયનીના પ્રાક્ટયની કથા
માઁ કાત્યાયનીના પ્રાક્ટય અંગે એક કથા અતિજાણીતી છે. પૌરાણિક કથા પ્રમાણે ઋષિ કતને કાત્ય નામે એક પુત્ર હતા. ઋષિને પુત્રીની મહેચ્છા હતી. તેઓ માઁ ભગવતીના પરમ ઉપાસક હોવાથી તેમણે ઉગ્ર તપસ્યા કરી હતી. માતા ભગવતીને પોતાની ભક્તિથી પ્રસન્ન કર્યાં અને દેવી પાસેથી વરદાન ઇચ્છ્યું કે માઁ ભગવતી તેમની પુત્રી તરીકે અવતરે. આમ દેવી દુર્ગાનાં અવતાર એવાં ત્યાયની સ્વરૂપે ઋષિ કતને ત્યાં જન્મ્યાં અને કાત્યાયની કહેવાયા. એવી કથા પણ મળે છે કે જ્યારે મહિષાસુરના તાપસંતાપ પૃથ્વીના લોકોને અતિશય પ્રતાડિત કરી રહ્યાં હતાં ત્યારે સ્વયં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ-ત્રિદેવે પોતાના તેજઅંશ અર્પણ કરીને મહિષાસુરમર્દિની દેવીને ઉત્પન્ન કર્યાં. મહર્ષિ કાત્યાયને આ દેવીનું સૌપ્રથમ પૂજનઅચર્ન કર્યું તેનાથી દેવી કાત્યાયની તરીકે પ્રસિદ્ધ થયા.
મનગમતો જીવનસાથી મેળવવા અને સર્વાર્થસિદ્ધ માટે પૂજાય છે માતા કાત્યાયની
કાત્યાયનીને દાનવઘાતિની કહેવાયાં છે તે હેતુસર દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવા માટે મહર્ષિ કાત્યાયનના આશ્રમમાં પ્રકટ થઇ માઁ સ્વયં કાત્યાયનીના દીકરી તરીકે પ્રસ્થાપિત રહ્યા. માનું આ છટ્ટું સ્વરૂપ અતિ ભવ્ય અને દિવ્ય છે. નવરાત્રિના છઠ્ઠા દિવસે તેમની આરાધના કરવાથી રોગ, શોક, ભય, સંતાપ સઘળું નષ્ટ થાય છે. માતા કાત્યાયની સાથે સંકળાયેલ અન્ય એક વાત પણ જોડાયેલી છે, આ દેવીને મનગમતો જીવનસાથી મેળવવા માટે પણ આ દેવીને પ્રસન્ન કરવામાં આવે છે. બ્રહ્મમંડલના અધિષ્ઠાત્રી દેવીની ભક્તિથી ભક્તને સર્વાર્થ મળે છે. અર્થાત, ચારેય કામ- ધર્મ, અર્થ,કામ અને મોક્ષ પ્રાપ્ત થાય છે. ભક્તનો પ્રભાવ વધે છે. માઁ કાત્યાયની જન્મજન્માંતરના પાપનો નાશ કરીને આધિવ્યાધિઉપાધિ હરે છે.
ભક્તોને માટે માતાનું અલૌકિક અને અવ્યક્તાવ્યક્ત સ્વરુપ
માતા નવદુર્ગાને ભજવા માટેના નવલા નોરતામાં દુર્ગા સપ્તશતીના પાઠ કરનારાં ભક્તોને માટે માતાનું અલૌકિક અને અવ્યક્તાવ્યક્ત સ્વરુપ ચિત્તમાં ઊભરી આવે છે. ત્યારે અકથ્ય આનંદની અનુભૂતિ અને હર્ષાશ્રુ સાથે નિત્યક્રમમાં માના સ્મરણમાં વિવિધ પ્રકારે પુણ્યકાર્યો કરવા ઉત્સુક રહે છે. શત્રુનો નાશ કરનારા, વિશ્વાધિશ્વરી, પરબહ્મને જાણનારા, સઘળાં ભૂતોમાં પ્રવેશ કરનારા, મહામાયા સ્વરુપે સર્વવ્યાપ્ત રહેનારા શક્તિસ્વરુપાની વંદના કરીએ, નમસ્કાર કરીએ અને વિશ્વસંકટ બનેલ કોરોના નામની મહામારીમાંથી મનુષ્યોની રક્ષા કરી તેવી જીવનનો ઉત્સવ દેનારાં માતા ભગવતી નવદુર્ગાને પ્રાર્થના કરીએ.
આ પણ વાંચો: