- મહાભય અને મહાકષ્ટમાંથી મુક્તિ આપતા માતા કાલરાત્રિ
- દૈત્યોને ડરાવનારું માતા નવદુર્ગાના સાતમા સ્વરુપનું મહાભયંકર સ્વરુપ
- માતા કાલરાત્રિની કૃપાથી તમામ ભયનો નાશ થાય છે
અમદાવાદ : નવરાત્રિના સાતમા દિવસે માતા કાલરાત્રિની ઉપાસના કરવામાં આવે છે. શુંભ-નિશુંભ અને રક્તબીજના ત્રાસથી ત્રણે લોકોમાં ભય વ્યાપે છે. ત્યારે દેવો ભગવાન ભોળાનાથ પાસે તેમના સંહારની વિનંતી લઈને જાય છે. ભોળાનાથ તે માટે દુર્ગાનું આહવાન કરે છે. દુર્ગા શુંભ-નિશુંભનો વધ કરી નાખે છે. પરંતુ રક્તબીજને એવું વરદાન હોય છે કે, તેના દરેક રક્તનું ટીપું ને જમીન પર પડે તેમાંથી બીજો રક્તબીજ ઉત્પન્ન થાય. ત્યારે દુર્ગા ક્રોધમાં આવીને પોતાનું વિકરાળ રુપ કાલરાત્રિ ધારણ કરે છે. જે રક્તબીજના દરેક લોહીના ટીપાને મુખમાં ગ્રહણ કરીને તેનો વધ કરે છે.
માતા નવદુર્ગાનું ભયંકર સ્વરૂપ માઁ કાલરાત્રિ માતા કાલરાત્રિની આરાધના કરવાની હોય ત્યારે આ શ્વોક કેવી રીતે ભૂલાય?
एकवेणी जपाकर्णपूरा नग्ना खरास्थिता |
लम्बोष्ठी कर्णिकाकर्णी तैलाभ्यक्तशरीरिणी ||
वामपादोल्लसल्लोहलताकण्टकभूषणा |
वर्धन्मूर्धध्वजा कृष्णा कालरात्रिर्भयन्करि ||
માતા કાલરાત્રિનું શાસ્ત્રોક્ત વર્ણન
આપણા પૌરાણિક શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે કાલરાત્રિએ માતા નવદુર્ગાનું સાતમું સ્વરૂપ છે. તેમની ચાર ભૂજાઓ દર્શાવાઈ છે. માતાએ એક હાથમાં ખડગ અને બીજા હાથમાં તીક્ષ્ણ લોહઅસ્ત્ર ધારણ કરેલું છે. ત્રીજો અને ચોથો હાથ અભયમુદ્રા અને વરદમુદ્રામાં છે. માતા દેખાવે કૃષ્ણવર્ણનાં છે. તેમનું વાહન ગદર્ભ છે. માતા કાલરાત્રિને ત્રણ નેત્રોવાળાં દર્શાવાયા છે. ગળામાં અલૌકિક માળા ધારણ કરેલી છે. શ્વાસોચ્છ્વાસમાં અગ્નિ જવાળાઓ પ્રકટે છે. ગદર્ભ પર બિરાજિત છે.
બાળકની જેમ માતા ચામુંડાને ભજો
સાતમો દિવસ માતા ચામુંડાને પણ સમર્પિત છે. ચંડ-મુંડ રાક્ષસની હાહાકાર વધતા દુર્ગા ચામુંડા રૂપ ધારણ કરીને તેનો નાશ કરે છે. કળિયુગમાં સૌથી સરળ ભક્તિ અને ઉપાસના માઁ ચામુંડા અને ગણેશની કહેવાય છે. ચામુંડાની ઉપાસનાથી અકાળ મૃત્યુથી રક્ષા થાય છે, નિર્ભયતા આવે છે, શનિદોષ દૂર થાય છે અદ્વૈતની સ્થિતિ પ્રાપ્ત કરવા ચામુંડાની ઉપાસના કરવી જોઈએ. દરેક ભક્તે બાળકની જેમ ચામુંડાને ભજવા જોઇએ.
માતા કાલરાત્રિના ભયંકર સ્વરુપનું રહસ્યવર્ણન
નવરાત્રિના સાતમા દિવસે નવદુર્ગાનાં આ સ્વરૂપનું પૂજનઅર્ચન કરાય છે. પ્રચલિત પૌરાણિક કથા પ્રમાણે શુંભ અને નિશુંભ નામના બે મહાકષ્ટકારી અસુરોનો સંહાર કરવા માટે દેવી પાર્વતીએ કાલરાત્રિ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ બંને દૈત્યોએ ઇન્દ્રના ત્રણ લોક અને યજ્ઞભાગ પડાવી લીધા હતા. સૂર્યચંદ્ર સહિતના દેવો સહિત તમામ દેવના અધિકારો હણી લીધાં હતાં અને તેમને સ્વર્ગમાંથી બહાર કરી દીધા હતાં. ત્યારે તેઓએ હિમાલયના ઊંચા શિખરો પરથી માતા મહાદેવીને પ્રાર્થના કરતા દીર્ઘસ્તુતિ કરી હતી. આ સમયે માતા પાર્વતી ત્યા ગંગાસ્નાન માટે પધાર્યાં હોય છે. તેથી દેવોની સ્તુતિ સાંભળી અનુકંપિત થઈને મા ભગવતીએ પૃચ્છા કરવાની સાથે તેમણે પોતાનામાંથી એક શક્તિ ઉત્પન્ન કરી. તે દેવી કૌશિકી-કૃષ્ણવર્ણનાં હોઈ દેવોએ તેમને કાલિકા કહ્યા તેમને શુંભનિશુંભનો નાશ કરવા પ્રાર્થનાઓ કરી. દેવી ભાગવતમાં આ યુદ્ધની શરુઆતમાં ચંડમુંડનો દેવી દ્વારા નાશની કથા પણ આવે છે. દુર્ગા સપ્તસતીથી પરિચિત લોકો પણ ભગવતીના એ અપ્રતિમ સાહસ અને શૌર્યની ગાથા જાણે છે અને દેવીએ કેવા ભયંકર પ્રકોપ અને ક્રોધપૂર્વ શુંભનિશુંભનો નાશ કર્યો તેનું રોચક અને સહૃદયોને શાતા આપનારું કથાનક નવરાત્રિના આ સાતમાં સ્વરુપ માતા કાલરાત્રિના મહિમાનું સ્મરણ કરવામાં આવે છે.
અશુભના સંહાર માટે અભયંકરીએ ધારણ કર્યું વિકરાળ સ્વરૂપ
દૈત્યોના નાશ કરી સદતત્વનું રક્ષણ કરવા માટે માતા નવદુર્ગાએ પોતાના અલૌકિક શુભ્ર, મમતાભર્યાં સ્વરુપને બદલે અભક્તોને ભય પમાડનારું સ્વરુપ ધારણ કર્યું છે. ત્યારે માતાનું એક નામ શુભંકરી પણ પડ્યું છે. આ સ્વરુપની ઉપાસના કરનાર સાધકને અભય પ્રાપ્ત થાય છે.
કામિસ્વરૂપિણી ત્વંહિ, શત્રુસંધ વિદારિણીમ્,
ધમૉર્થ કામદાયિનીમ્, કાલરાત્રિં પ્રણમામ્યહમ્
ઓમ્ કર્લીં કાલરાત્રિં ક્ષૌં, ક્ષૌં મમ સુખ-શાંતિ દેહિ, દેહિ સ્વાહા’
માતા કાલરાત્રિની ઉપાસના ભક્તને બનાવે છે ગુણસંપન્ન અને સુરક્ષિત
મા કાલરાત્રિ આપણે જાણ્યું તેમ ઉગ્રસ્વરુપા છે તેથી. દાનવ, દૈત્ય, રાક્ષસ, ભૂત, પ્રેત વગેરે માતાના સ્મરણ માત્રથી મનુષ્યથીદૂર થઈ જાય છે. માતા કાલરાત્રિ શનિગ્રહના કષ્ટ કાપે છે. તમામ ગ્રહબાધાઓને પણ દૂર કરનારા છે. માતા કાલરાત્રિના ઉપાસકો ક્યારેય અગ્નિનો ભય રહેતો નથી. જળનો ભય રહેતો નથી, જંતુનો ભય અને, રાત્રિનો ભય પણ રહેતો નથી.
માતા કાલરાત્રિ શિસ્તબદ્ધતા લાવનાર શક્તિ છે, સંયમમાં લાવનાર શક્તિ છે, અતંત્રતાને હણનાર શક્તિ છે, ત્યારે માતા કાલરાત્રિની પ્રસન્નતા મેળવવા માટે સાધક ભક્ત પણ નિયમબદ્ધ બની જાય છે. મા કાલરાત્રિના સ્વરૂપ-વિગ્રહને ધ્યાનસ્મરણમાં લાવી તેમની સમર્પિતભાવથી ઉપાસના કરવી જોઈએ. યમનિયમ, સંયમનું પૂર્ણપાલન કરી મન, વચન અને કાયાની પવિત્રતા જળવાય તેવા પ્રયત્ન કરવા જોઇએ. માતા કાલરાત્રિ ખૂબ દયાળુ અને કરુણાભર્યાં છે. તેથી જ દેવોના કષ્ટ કાપવા તરત જ રણમેદાને દૈત્યોના સંહાર માટે ભયંકર સ્વરુપ અને શસ્ત્ર ધારણ કરી દોડ્યાં હતા. ભક્ત પોતાના ચિત્તની આસુરીવૃત્તિઓને ડામવા અને અકર્મણ્યતા અને ભયને ભગાડવા માટે હંમેશા માતા કાલરાત્રિનું ધ્યાન, પૂજન અને સ્મરણ કરતા રહે છે.