અમદાવાદ : શહેરના લોકોને ગરમીથી રાહત મળી રહે તે માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અમદાવાદના ગ્રીન કવરમાં વધારો કરવા માટે એક ખાસ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અમદાવાદમાં દિવસેને દિવસે વધતા જતા તાપમાનનો પારો નીચે લઇ આવવા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મિશન ગ્રીન કવર માટે અને શહેરમાં ગ્રીનરી વધારવા 10 લાખ વૃક્ષો વાવવાનું આયોજન ગયા વર્ષે કરવામાં આવ્યું હતું. તે માટે 5 હજાર જેટલા સ્વયં સેવકો અને એનજીઓ સહિત 10 હજાર લોકોએ નોંધણી કરાવી હતી. આ અંતર્ગત 11,70,000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.
આ વિશે વધારે ETV BHARAT સાથે વાત કરતા મ્યુનિસિપલ કોર્પોરેશનના રિકરીએશનલ કમિટીના ચેરમેન જીગ્નેશ પટેલે જણાવ્યું કે, અત્યાર સુધી અમે વાવેલા વૃક્ષોમાંથી 78 ટકા વૃક્ષો ઉછર્યા છે અને તેની માવજત પણ થઈ રહી છે. જેટલી પણ જગ્યાએ મિયાવાકી પદ્ધતિ પ્રમાણે વૃક્ષો રોપવામાં આવ્યા હતા. તે જગ્યાએ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોલેન્ટિયર અને એનજીઓ તેની માવજત કરી રહ્યા છે. 7 ઝોનમાં આ કામગીરી માટે ટીમ પણ બનાવવામાં આવી છે. આ ટીમ રેગ્યુલર છોડની ચકાસણી કરે છે અને વૃક્ષોની માવજત બરાબર થાય છે કે નહીં તેની પણ નોંધ લે છે.
અમદાવાદ શહેરમાં માત્ર 4.25 ટકા જેટલું જ ગ્રીન કવર છે. જેના કારણે AMC દ્વારા મિશન મિલિયન ટ્રી શરૂ કરીને અમદાવાદ શહેરમાં 10 લાખ વૃક્ષોનું વાવેતર કરવાનું અને શહેરને હરિયાળુ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.