અમદાવાદઃ શહેરમાં કોરોનાનો કહેર યથાવત છે, ત્યારે વરસાદની સિઝનમાં અને ડેન્ગ્યુ અને મલેરિયા પણ માથું ઉચકાતો હોય તેવું લાગી રહ્યું છે. વરસાદ બાદ ગંદા પાણીના ભરાવાને કારણે મચ્છરજન્ય રોગચાળાનો ભય ઉભો થાય છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ મેલેરિયા વિભાગે મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે વિશેષ ઝૂંબેશ હાથ ધરી છે.
શહેરમાં મલેરિયાને નાથવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશનના દરેક ઝોનના તમામ વોર્ડમાં સુપર ડિલેક્ષ જેવા મશીનથી ઘનિષ્ઠ ફોગીંગની કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરીમાં નાગરિકોને ઘરમાં બિનજરૂરી વસ્તુઓ નાશ કરવા તેમજ વરસાદ બાદ ભરાયેલા પાણીના નિકાલ કરવા અંગે સૂચના આપવામાં આવી હતી.
ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગોને કાબૂમાં લેવા અને તેના ફેલાવાને રોકવા માટે મચ્છરોના ઉવને શોધવા મ્યુનિસિપલ પેસ્ટીસાઇડ્સ વિભાગ દ્વારા નિયમિતપણે ઘરો અને તેની આસ-પાસના વિસ્તારનું નિરીક્ષણ કરવામાં આવે છે. આ વર્ષે, પણ દર વર્ષની જેમ, પ્રિ-મોન્સૂન નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં પાલિકાએ આ મચ્છરોના ઉપદ્રવને બિલ્ડિંગ વિસ્તારમાં પાણીની ટાંકી, ઝૂંપડપટ્ટીમાં પાણીના પમ્પ, પ્લાસ્ટિક અથવા તાડપત્રકમાં સ્થિર પાણી, ટાયરમાં ભરાયેલું પાણી અને સ્થિર પાણીવાળી સુશોભન વસ્તુઓ વગેરેની તપાસ કરવામાં આવી રહી છે. આ સર્વે કોરોનાની પાર્શ્વભૂમિ પર આધારિત છે. જેમાં માસ્કનો ઉપયોગ, હેન્ડ ગ્લોવ્સનો ઉપયોગ અને સોશિયલ ડિસ્ટેન્સના કડક પાલનનો સમાવેશ થાય છે.
તંત્ર દ્વારા મેલેરિયા નિયંત્રણની કામગીરી માટે વિવિધ આયોજન દર વર્ષે હાથ ધરાતા હોય છે. જેમાં તમામ કોમર્શિયલ સાઇટ તથા કોમર્શિયલ એકમો ખાતે મચ્છર ઉત્પત્તિનાં સ્થાન ઊભાં ન થાય તે માટે જરૂરી તપાસની કામગીરી હાથ ધરવી, રેલવે, એરપોર્ટ, ઇન્કમટેક્સ બિલ્ડિંગ, કન્સ્ટ્રક્શન સાઇટ વગેરે એકમો પાસેથી નક્કી કરેલો વહીવટી ચાર્જ વસૂલ કરીને ફોગિંગની કામગીરી કરી આપવી જેવી બાબતોનો સમાવેશ થાય છે. કોલ્ડ મશીનમાં મચ્છરનાશક દવા પાણીના સ્વરૂપે આસપાસ ફેલાતી હોઇ તેને વિશ્વ આરોગ્ય સંસ્થાની માન્યતા મળી છે. હાલમાં નાના કોલ્ડ મશીનની કિંમત રૂપિયા 1 લાખ અને મોટા મશીનની કિંમત રૂપિયા 20 લાખ છે.