ક્રેડિટ કાર્ડ એક્ટિવ કરવાનું કહીને ડૉક્ટરના ખાતામાંથી 75 હજાર ઉપાડી લીધાં - સાયબર ક્રાઈમ
સમગ્ર દેશ સહિત રાજ્યમાં ઑનલાઈન છેતરપિંડીના કિસ્સા વધી રહ્યાં છે, ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં સિવિલ હોસ્પિટલના ડૉક્ટરને એક યુવતીએ ક્રેડિટ કાર્ડ એક્ટિવ કરવાનું કહીને તેમના ખાતામાંથી 75,750 રૂપિયા ઉપાડી લીધાં છે. જે મામલે ડૉકટરે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
અમદાવાદ: આ બનાવની વિગતે વાત કરીએ તો સિવિલ હોસ્પિટલમાં જનરલ સર્જરી વિભાગમાં ફરજ બજાવતાં ડૉક્ટર નિસર્ગ શાહે ફરિયાદ નોંધાવી છે કે, અસારવા બ્રાન્ચની એક્સિસ બેન્કમાં સેલેરી એકાઉન્ટ છે. ગત્ત 11 જુલાઈએ તેમના પર અજાણ્યા નંબર પરથી એક યુવતીનો ફોન આવ્યો હતો. જેણેે પોતાની ઓળખ એક્સિસ બેન્કની કોલ આસિસ્ટન્ટ પૂજા શર્મા તરીકે આપી હતી.
ફોન કરનારી યુવતીએ ડૉક્ટરને જણાવ્યું હતું કે, તેમનું ક્રેડિટ કાર્ડ એક્ટિવ કરવાનું છે. તો કાર્ડની વિગત જણાવું છું. તેમ કહીને કાર્ડની ઉપરનો નંબર, નામ, એક્સપાયરી ડેટ, સીવીવી નંબર જણાવ્યો હતો. જેથી તેમને વિશ્વાસ આવી ગયો હતો કે, ફોન કરનારી યુવતી બેન્કમાંથી જ વાત કરી રહી છે. જે બાદ ફોન કરનારી યુવતીએ જણાવ્યું હતું કે, તમારા કાર્ડની લીમીટ 2.5 લાખ છે જે ઘટાડીને 35 હજાર કરવાની છે તો મોબાઈલ નંબર પર જે પીન આવે તે આપવો.