- રાજકોટના પ્રભાબહેનને મણકાનો અસહ્ય દુખાવો હતો
- ખાનગી હોસ્પિટલે 4 લાખનો જંગી ખર્ચ કહ્યો
- ગંગાસ્વરૂપ પ્રભાબહેને સિવિલ હોસ્પિટમાં ફ્રીમાં સર્જરી કરાવી
અમદાવાદ- રાજકોટના 55 વર્ષના પ્રભાબહેને 2.5 વર્ષ પહેલા કરોડરજ્જુના ભાગમાં તકલીફ ઉભી થતાં ખાનગી હોસ્પિટલમાં સર્જરી કરાવી હતી. સર્જરીના 6 મહિનામાં જ પતિનું અવસાન થયું હતું. પ્રભાબહેનને પરિવારમાં એક દીકરી છે, જેઓ પણ પરિણીત છે. પતિના અવસાન બાદ એકલવાયું જીવન પસાર કરી રહેલા પ્રભાબહેનના પતિના વિલાપ સાથે શારીરિક પીડામાં પણ વધારો થયો. મણકામાં કરાવેલ ( Spine surgery ) સર્જરીના કારણે દુખાવો શરૂ થયો. આ દુખાવો દિવસેને દિવસે અસહ્ય બનતો ગયો હતો.
સ્ક્રૂ અને સળીયા ખસી ગયાં હતાં
મણકાના દુખાવો અસહ્ય બનતા ફરી વખત તેઓ ખાનગી તબીબ પાસે ગયાં., ત્યાં જાણ થઇ કે અગાઉ કરેલી સર્જરી દરમિયાન મૂકવામાં આવેલ સ્ક્રુ અને સળીયા ખસી ગયાં છે. જેના કારણે ફરી વખત સર્જરી ( Spine surgery ) કરવી પડે તેમ હતું. ખાનગી તબીબે આ સર્જરી માટે 4 લાખનો જંગી ખર્ચ કહ્યો હતો.
પ્રભાબહેન પેન્શન સહાયથી જીવી રહ્યાં હતાં
પતિના અવસાન બાદ રાજ્ય સરકારની ગંગાસ્વરૂપ પેન્શન સહાયથી જીવન ગુજરાન ચલાવતાં પ્રભાબહેન માટે 4 લાખના જંગી ખર્ચે શરીરની પીડા દૂર કરવી લગભગ અસહ્ય બની રહ્યું હતું. વળી આ પ્રકારની રીવીઝન સ્પાઇન સર્જરી અતિ જટીલ હોવાથી નિષ્ણાત સ્પાઇન તબીબ સિવાય અન્ય કોઇ કરી શકે તેમ પણ ન હતું. રાજકોટના એક ખાનગી તબીબે માનવતાવાદી વલણ અપનાવીને પ્રભાબહેનને એક ચિઠ્ઠીમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલના સ્પાઇન સર્જન ડૉ. જે. વી. મોદીનું નામ લખીને કહ્યું કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચી જાવ. ત્યાનાં સ્પાઇન સર્જન ( Spine surgery ) આ પ્રકારની સર્જરી સફળતાપૂર્વક કરી શકશે. સિવિલ હોસ્પિટલમાં સંપૂર્ણપણે વિનામૂલ્યે તમારી સર્જરી થઇ શકશે.
સિવિલ હોસ્પિટલમાં તમામ રીપોર્ટ્સ થયા
પ્રભાબહેન ક્ષણભરનો પણ વિલંબ કર્યા બાદ ચિઠ્ઠી લઇ વાહન કરીને અમદાવાદ સિવિલ હોસ્પિટલ આવી પહોંચ્યા. અહીં સ્પાઇન વિભાગના તબીબોએ પ્રભાબહેનના અન્ય રીપોર્ટના આધારે રોગ પારખી સિવિલ હોસ્પિટલમાં પણ એક્સ-રે , સી.ટી.સ્કેન અને એમ.આર.આઇ. જેવા રીપોર્ટસ કરાવીને સર્જરીની ગંભીરતા સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો.
મણકામાં નાંખેલા સળીયા વળી ગયાં હતાં
રીપોર્ટસ જોતાં ખબર પડી કે કમરમાં નાખવામાં આવેલ સળીયા વળી ગયાં છે, જેને મેડીકલ ભાષામાં Implant Faliure કહેવાય છે. જેના કારણોસર જ પ્રભાબહેનના શરીરનો એક ભાગ સંપૂર્ણપણે નિસ્ક્રીય એટલે કે પેરાલાઇઝ થઇ ગયો હોય તેવું લાગી રહ્યું હતું. પ્રભાબહેનને હલનચલનમાં પણ અત્યંત તકલીફ પડી રહી હતી. આ સમગ્ર જટીલતા જોવા સિવિલ હોસ્પિટલના સ્પાઇન સર્જરી ( Spine surgery ) વિભાગના વડા અને સિવિલ હોસ્પિટલ સુપ્રીન્ટેન્ડન્ટ અને તેમની ટીમ દ્વારા પ્રભાબહેનની સર્જરી પ્લાન કરવામાં આવી. અગાઉ પણ આ પ્રકારની સર્જરીના બહોળા અનુભવ ધરાવતા તબીબોની ટીમે ભારે જહેમત બાદ કમરના ભાગમાં તૂટી ગયેલ તમામ સળીયાને હેમખેમ બહાર કાઢ્યાં. આ સળીયા બહાર કાઢ્યા બાદ તેઓએ ખૂબ જ સલામતી અને સાવચેતીપૂર્વક સપોર્ટના આધારે નવા સ્કુ અને સળીયા ફીટ કર્યા હતા. સર્જરીપૂર્ણ થયા બાદ પ્રભાબહેનની સ્થિતિની ગંભીરતા જોવા તેમને આઇ.સી.યુ.માં દેખરેખ હેઠળ રાખવામાં આવ્યાં. બે દિવસ બાદ આજે તેઓ સંપૂર્ણપણે સાજા થયાં છે અને હલનચલન કરવા પણ સક્રિય બન્યાં છે.