ગુજરાત

gujarat

By

Published : Dec 9, 2019, 3:49 PM IST

ETV Bharat / city

ગુજરાતમાં કડકડતી ઠંડીનો રાઉન્ડ શરૂ, નલિયા સૌથી વધુ ઠંડુગાર

અમદાવાદ: ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાને પગલે ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ઠંડીમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. શિયાળો બરાબર જામ્યો હોય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતના લઘુત્તમ તાપમાનમાં 2 થી 5 ડીગ્રીનો ઘટાડો નોંધાયો છે. સોમવારે સૌથી વધુ ઠંડુગાર નલિયા 11.4 ડિગ્રીના તાપમાન સાથે રહ્યું છે.

concept image
concept image

હવામાન વિભાગની આગાહીને આધારે જોઈએ તો ગુજરાતની ઠંડી ઉત્તર પૂર્વનાં ઠંડા પવનો પર આધાર રાખે છે. છેલ્લા પાંચેક દિવસથી ઉત્તર દિશા તરફથી સૂકા અને ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. જેથી દિવસેને દિવસે ઠંડી વધતી જઈ રહી છે. હજૂ આગામી 24 કલાકમાં ઠંડીના પ્રમાણમાં વધારો થઈ શકે છે.

અમદાવાદમાં વહેલી સવારે કડકડતી ઠંડીનો અહેસાસ થતો જોવા મળ્યો હતો. ઠંડાગાર પવન સાથે ઠંડી પડતા ગુજરાતમાં લોકોએ સ્વેટર, ટોપી અને મફલર બહાર કાઢ્યા છે, અને રાત્રે રજાઈ ઓઢીને સુઈ રહ્યા છે. છેલ્લા કેટલાય દિવસોથી જમ્મુ કાશ્મીર સહિતના ઉત્તર ભારતના વિસ્તારોમાં સતત હિમવર્ષા થઈ રહી હોવાના સમાચાર આવ્યા છે. લેહમાં તાપમાન માઈનસ ડિગ્રી થયું છે. જેને પગલે ગુજરાતમાં ઠંડી વધી છે.

હવામાન વિભાગના કહેવા પ્રમાણે આ વર્ષે શિયાળો થોડો મોડો શરૂ થયો છે, પરંતુ હવે ઠંડી વધી છે. ડિસેમ્બર આખરમાં ઠંડી વધુ જોરમાં પડશે. ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં હજી વધુ નોંધપાત્ર ઘટાડો નોંધાશે.

ગુજરાતના વિવિધ શહેરમાં લઘુત્તમ તાપમાન

  • નલિયા 11.4 ડિગ્રી
  • ન્યૂ કંડલા 12.5 ડિગ્રી
  • ડીસા 13 ડિગ્રી
  • રાજકોટ 13.2 ડિગ્રી
  • ભૂજ 14 ડિગ્રી
  • ગાંધીનગર 15.2 ડિગ્રી
  • સુરેન્દ્રનગર 15.8 ડિગ્રી
  • અમદાવાદ 16 ડિગ્રી
  • ભાવનગર 16.2 ડિગ્રી
  • વડોદરા 17.4 ડિગ્રી
  • સૂરત 19.2 ડિગ્રી

ABOUT THE AUTHOR

...view details