ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કેમ આપ્યું રાજીનામુ? - વિજય રૂપાણી

ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજીનામું આપી દીધું છે. એકાએક રાજીનામું આપી દેતા રાજકીય ક્ષેત્રે મોટી હલચલ જોવા મળી છે, અને શા માટે રૂપાણીએ રાજીનામું આપ્યું? તે સવાલ થાય તે સ્વભાવિક છે. આવો આપણે વિશ્લેષણ કરીએ, ETV Bharat નો વિશેષ અહેવાલ…

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું

By

Published : Sep 11, 2021, 6:07 PM IST

Updated : Sep 11, 2021, 11:33 PM IST

  • રૂપાણીએ રાજીનામુ પાછળના અનેક કારણો
  • એન્ટિઈન્કમ્બન્સી હોઈ શકે છે
  • કોરોનાની બીજી લહેરમાં કામગીરી યોગ્ય ન હતી

અમદાવાદ- વિજય રૂપાણીએ રાજીનામું આપી દીધા પછી હવે ગુજરાતના સીએમ કોણ? તે ચર્ચાએ જોર પકડ્યું છે, પણ તેની સાથે-સાથે રૂપાણીએ રાજીનામું કેમ આપ્યું? તે ચર્ચા પણ રાજકીય ગલીયારોમાં ચાલી રહી છે.

અચાનક મુખ્યપ્રધાન બન્યા અને અચાનક રાજીનામું આપ્યું

વિજય રૂપાણી અચાનક જ ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા હતા. તે રીતે અચાનક જ વિજય રૂપાણીએ રાજીનામું આપી દીધું છે. જે વાત પણ એટલી જ મહત્વની છે. તેમનું નામ જ્યારે મુખ્યપ્રધાન પદે જાહેર થયું, ત્યારે સૌને આર્શ્ચય થયું હતું અને હવે જ્યારે તેમણે રાજીનામું આપ્યું ત્યારે સૌ કોઈ કહી રહ્યા છે કે, ચૂંટણી આવે છે ને રૂપાણીએ કેમ રાજીનામું આપ્યું હશે? તેવો પ્રશ્ન રાજકીય વર્તુળોમાં પુછાઈ રહ્યો છે.

રૂપાણી સરકારની કામગીરીની સમીક્ષા કરતાં બે વર્ગ

વિજય રૂપાણીને મુખ્યપ્રધાન પદે પાંચ વર્ષ પૂર્ણ થયા હતા, તેમણે હમણાં જોરશોરથી ઉજવણી કરી છે, પણ એક વર્ગનું કહેવું હતું કે, કોરોનાકાળમાં રૂપાણી સરકારે સારી કામગીરી હતી, તો બીજો વર્ગ એમ કહી રહ્યો છે કે, કોરોનામાં રૂપાણી સરકારની કામગીરી યોગ્ય ન હતી. જો કે, રૂપાણીની ટીકા કરનારા લોકો બે ભાગમાં વહેંચાઈ ગયા છે.

વિજય રૂપાણીએ આપ્યું રાજીનામું

પાટીલ સાથે મનમેળ ન હતો તે કારણ હોઈ શકે?

વિજય રૂપાણી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલને બનતું ન હતું, તેના સમાચાર પણ માધ્યમોમાં આવ્યા હતા. જો કે, પાટીલ વારંવાર કહી ચુક્યા હતા કે, 2022ની ચૂંટણી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં જ લડાશે. પણ આ તો ઉલટુ થયું છે. હવે કોના નેતૃત્વમાં વિધાનસભાની ચૂંટણી લડાશે તે સવાલ ઉભો થયો છે.

પાટીદાર મુખ્યપ્રધાન લાવવા માટે

ખોડલધામવાળા નરેશ પટેલ કહેતા હતા કે, સીએમ તો પાટીદાર હોવા જોઈએ. તે વાતને ભાજપ મોવડીમંડળ સમર્થન તો નથી આપતું ને? કારણ કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આમ આદમી પાર્ટીના 17 કોર્પોરેટરો જીત મેળવીને જગ્યા બનાવી હતી, જેમાં સુરતના કેટલાક પાટીદારોએ ભાજપ તરફથી મો ફેરવ્યું હોય તેવું સ્પષ્ટ થાય છે, આથી જ હવે મોવડીમંડળને લાગ્યું હશે કે, 2022નો જંગ જીતવો હશે તો પાટીદાર નેતા લાવવા પડશે. આ પણ એક શક્યતા છે.

વિજય રૂપાણીએ આપ્યું રાજીનામું

વિજયભાઈએ ચૂંટણીમાં અનેક વિજય મેળવ્યા છે

રાજકીય તજજ્ઞ જયવંતભાઈ પંડ્યાએ ETV Bharat સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, ભાજપમાં સાચા અર્થમાં વિજયભાઈ વિજય રથ લાવનારા નેતા હતા, કારણ કે, 2017માં પાટીદાર, દલિત અને ઓબીસી આંદોલન વચ્ચે પણ તેમણે ગુજરાતમાં ભાજપની સત્તા જાળવી રાખી હતી. છ કોર્પોરેશન અને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં પણ ભાજપને જ્વલંત સફળતા મળી હતી. જો કે, ચૂંટણીને એક વર્ષની વાર છે, ત્યારે ભાજપે નેતૃત્વ બદલીને રાજકીય માહોલ ગરમ કરી દીધો છે અને ખળભળાટ મચી ગયો છે.

નીતિન પટેલ ભાજપ માટે ફાયદાકારક છે

જયવંતભાઈએ વધુમાં ઉમેર્યું હતું કે, રૂપાણીએ રાજીનામું આપ્યું તેની પાછળ અનેક કારણો છે. પહેલું નીતિન પટેલ પાટીદાર નેતા છે, તેમને મુખ્યપ્રધાન બનાવીને પાટીદાર ચહેરો ઉતારીને વિધાનસભામાં વધુ બેઠકો કબજે કરવી તે રણનીતિ હોઈ શકે છે. 2016માં નીતિનભાઈ મુખ્યપ્રધાન પદના પ્રબળ દાવેદાર હતા, ત્યારે વિજય રૂપાણીને મુખ્યપ્રધાન બનાવ્યા હતા. પણ જો હવે નીતિનભાઈને મુખ્યપ્રધાન બનાવે તો પાટીદારોનો સંપૂર્ણ ટેકો મળી રહે તેમ છે. આથી નીતિનભાઈ ભાજપને મદદરૂપ થઈ શકે તેમ છે.

હિન્દુઓ લઘુમતીમાં મુકાઈ ગયા નીતિન પટેલનું નિવેદન

તાજેતરમાં નીતિનભાઈએ તાલિબાનનો સંદર્ભ ટાંકીને હિન્દુઓ લઘુમતીમાં મુકાઈ જશે, જે નિવેદન કરીને રાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો મુદ્દો બન્યો હતો. તેનાથી નીતિનભાઈ વધુ લોકપ્રિય બન્યા છે તેમજ ઘણા સમયથી નીતિનભાઈ સરકાર તરફથી મહત્વની જાહેરાતો પણ કરી રહ્યા છે, તેથી તેઓ પ્રબળ દાવેદાર ગણી શકાય તેમ છે.

વિજયભાઈનો અધિકારીઓ પર કાબુ ન હતો

જયવંતભાઈ કહી રહ્યા છે કે, કોરોનાની બીજી લહેરમાં અધિકારીઓ પર કાબુ મેળવવામાં વિજયભાઈ કંઈક અંશે સફળ થયા નથી. ત્રીજુ એ કે ભાજપ સામાન્ય રીતે નો રીપીટ થીયરી અપનાવે છે, તેમ વિજયભાઈના કેસમાં પણ નો રીપીટ થીયરી ગણી છે. છેલ્લે જ્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમીત શાહ ગુજરાત આવ્યા ત્યારે તેઓ નીતિનભાઈની સાથે કારમાં ગયા હતા. ત્યારે જ કંઈક વાત બની હોય તેમ લાગતું હતું. જો કે, વિજયભાઈને રાજીનામુ આપવું પડે તેવું કોઈ અદ્રશ્ય કારણ દેખાતું નથી.

નવા ચહેરા સાથે વિધાનસભાની ચૂંટણી થશે

રાજકીય તજજ્ઞ પાલા વરુએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વિજયભાઈએ રાજીનામું આપ્યું છે, એન્ટિઈન્કમબન્સી હોઈ શકે છે તેમજ ભાજપની આ જૂની સ્ટાઈલ છે કે, નવો ચહેરો આવે તો નવા મુદ્દા ઉભા કરી શકાય અને પાંચ વર્ષના સારા શાસને મેકઓવર કરી શકાય. જો કે, નવા ચહેરા સાથે કેટલી સફળતા મળે છે તે તો સમય કહેશે.

Last Updated : Sep 11, 2021, 11:33 PM IST

ABOUT THE AUTHOR

...view details