અમદાવાદઃ ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા(25 મે, 2020) 14,468 છે, જેમાં 888ના મોત થયા છે. અમદાવાદમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 10,590 છે, જેમાં કુલ 722 મોત થયા છે. એટલે કે, આખા ગુજરાતમાં કુલ મૃત્યઆંક 888 છે, જેમાં એકલા અમદાવાદનો મૃત્યુઆંક 722 છે. રાજ્યમાં કુલ મૃત્યુ પૈકી 81.30 ટકા મોત અમદાવાદમાં જ થયાં છે. 25 મેના રોજ કુલ 30 મોત થયા હતા, જેમાંથી અમદાવાદમાં જ 25 મોત થયા હતા. આમ સ્પષ્ટ થઈ રહ્યું છે કે, કોરોનાના દર્દીઓને યોગ્ય સારવાર નથી મળી રહી જેને કારણે તેમનું મોત થઈ રહ્યું છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં જ કોરોનાના સૌથી વધુ દર્દીઓના મોત થઈ રહ્યા છે.
સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને યોગ્ય સારવાર નથી મળી રહી તે મુદ્દા પર ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો દાખલ કરી છે. ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારની આકરી ઝાટકણી કાઢી છે અને કહ્યું છે કે, દર્દીઓને મરવા છોડી ન દેવાય, દર્દીઓ સાથે પશુ જેવો વ્યવહાર ન કરાય, આરોગ્ય સચિવ અને આરોગ્યપ્રધાન સિવિલ હોસ્પિટલમાં કેટલી વખત મુલાકાતે ગયા? જેવા અનેક સવાલો હાઈકોર્ટે પુછ્યા છે.
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોવિડ-19 માટે 1200 બેડની સ્પેશિયલ હોસ્પિટલ તૈયાર કરાઈ છે. દર્દીઓને યોગ્ય સારવાર નથી મળતી અને કોઈ સગવડ પણ નથી, જેવા વીડિયો ખુદ દર્દીઓએ વાયરલ કર્યા હતા. ત્યાર પછી હોસ્પિટલનું તંત્ર સફાળું જાગ્યું હતું. રાજ્ય સરકારને પણ પછી ખબર પડી, જે પછી તેમણે બીજી સુવિધાઓ ઉભી કરી. સિનિયર ડૉકટર કોરોનાના દર્દીઓને જોવા માટે આવતાં નથી. તેમજ નર્સિગ સ્ટાફ પણ દિવસમાં એક વાર આવીને જતા રહે છે, પછી કોઈ સંભાળ રાખનાર નથી. દર્દીના સગાઓની ફરિયાદ હતી કે, દર્દીને કોઈ ચીજવસ્તુ જોઈએ તો તે કેવી રીતે મંગાવી શકે. દર્દીના સગાને અંદર જવા દેવાતા નથી. આવી તો અનેક ફરિયાદો ઉઠી હતી. ટૂંકમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલની સારવારની બેદરકારી સામે આવી હતી, જેથી કોરોનાના દર્દીઓના મોતની સંખ્યા વધી છે.
બીજુ કોરોનાની સારવાર માટે કોઈ દવા કે, વેકસીન નથી શોધાઈ, પણ સિવિલ હોસ્પિટલમાં જે પણ દર્દીઓ દાખલ થઈ રહ્યા છે કે છેલ્લી ગંભીર સ્થિતિમાં હોય ત્યારે દાખલ થયા છે, જેથી મોતનો આંક વધ્યો છે. તે પણ હકીકત હોઈ શકે.
સિવિલ હોસ્પિટલના કોવિડ-19 હોસ્પિટલનો ચાર્જ સિનિયર ડૉકટરોને બાજુ પર મુકીને ડૉકટર જે. પી. મોદીને આપ્યો હતો, જેનો વિવાદ ખૂબ લાંબો ચાલ્યો હતો. કેન્સર હોસ્પિટલના ડાયરેક્ટર સાથે પણ વિવાદ થયો હતો. આવા અંદરના ડખાને કારણે પણ દર્દીઓ પર પુરતું ધ્યાન અપાયું નથી, જેની ફરિયાદ રાજ્ય સરકા સુધી ગઈ હતી. ત્યાર પછી રાજ્ય સરકારે રીટાયર્ડ થયેલ ડૉ. એમ. એમ. પ્રભાકરને પાછા બોલાવીને ફરીથી ચાર્જ સોંપ્યો હતો. આમ ઘીના ઠામમાં ઘી પડ્યું હતું. પણ બીજી તરફ કોરોનાના દર્દીઓના મોતનો સીલસીલો ચાલુ જ રહ્યો હતો.
રાજકોટની જ્યોતિ સીએનસી કંપનીએ સ્વદેશી વેન્ટિલેટર ધમણ-1 બનાવ્યું અને તેને સિવિલ હોસ્પિટલમાં દાનમાં આપ્યું હતું. આ ધમણ-1ને કારણે પણ સિવિલ હોસ્પિટલમાં વધુ મોત થયા હોવાની વાત ફેલાઈ હતી. જો કે ધમણ-1માં કેટલીક ખામીઓ હોવાનું પણ બહાર આવ્યું હતું. ધમણ-1 અંગે ઈટીવી ભારતે અગાઉ વિશેષ અહેવાલ પ્રસારિત કર્યો હતો.
શરૂઆતના તબક્કે રાજ્ય સરકારે વાહવાહી લીધી હતી, કે રાજ્ય સરકારે ખૂબ ટૂંકાગાળામાં 2000 બેડની હોસ્પિટલ ઉભી કરી છે. પણ પાછળથી ખબર પડી કે, આમાં તો લાલીયાવાડી હતી. વ્યવસ્થાનો અભાવ, દર્દીનો કેર લેનારા કોઈ નહી, પોઝિટિવ દર્દીઓને દાખલ કરનારા કોઈ નહી, સિવિલ હોસ્પિટલ દાખલ થયેલા કેટલાય દર્દીઓ રજા લઈને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા જવું પડ્યું હતું. આટલી બધી બેદરકારી છતાં સરકારી સિવિલ હોસ્પિટલમાં કોઈ જ ફેરફાર કરાયો નથી. અને કોરોના દર્દીઓના મોતનો આંક સતત વધી રહ્યો છે.