અમદાવાદઃ ગુજરાતમાં કોરોના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. એમાં અમદાવાદ હોટસ્પોટ છે. રાજ્યમાં અનલોક એકની જાહેરાત કર્યા બાદ પરિસ્થિતિ વધુ વકરી છે. અમદાવાદમાં કોરોના સંક્રમણ ચિંતાજનક સ્તરે વધ્યું છે. વધતાં જતાં કેસોને પગલે ગુજરાતીઓમાં ચિંતાનો માહોલ પ્રવર્તી રહ્યો છે અને એક જ સવાલ ઉઠી રહ્યો છે કે કોરોનાની અસર ક્યારે ઓછી થશે. પરંતુ આ સવાલનો જવાબ હાલ તો કોઈની પાસેથી મળી રહે તેવું દેખાઈ રહ્યું નથી.
શું કારણ છે કે અમદાવાદમાં રોજ 300થી વધારે કોરોના કેસો આવી રહ્યાં છે? રાજ્ય આરોગ્યવિભાગ તો એક જ રટણ રટી રહ્યું છે કે રોજ જેટલા કેસો નોંધાય છે અને તેનાથી વધુ દર્દીઓ સાજા થઇ રહ્યાં છે. વાસ્તવમાં અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં મૃત્યુદરનો વધારો થઈ રહ્યો છે. અમદાવાદની વાત કરવામાં આવે તો છેલ્લાં નવ દિવસમાં 2782 નવા પોઝિટિવ કેસ આવ્યાં છે. 224 લોકોના મોત થયાં છે. છેલ્લાં નવ દિવસથી કોરોનાના મોતનો આંક પણ નીચે આવ્યો નથી. છેલ્લા નવ દિવસથી એવરેજ 25 લોકોના મોત થઇ રહ્યાં છે. છતાં પણ સરકાર બધું જ સલામત છે તેવું કહી રહી છે. એશિયાની મોટામાં મોટી હોસ્પિટલની સુવિધા ધરાવતાં અમદાવાદમાં કોરોનાને કારણે નવ દિવસમાં 224 લોકોનાં મોત થયાં છે અને હવે તો ટેસ્ટિંગ કરવાનું બંધ કરી દીધા બાદ પણ રોજના 300થી વધારે કેસો આવી રહ્યાં છે તેમ છતાં તંત્રની નઘરોળતા જતી નથી.
શું કારણ છે કે અમદાવાદમાં રોજ 300થી વધારે કોરોના કેસો આવી રહ્યાં છે? આ વિશે વધારે વાત કરતાં વરિષ્ઠ પત્રકાર અજય ઉમટ જણાવે છે કે હાલ ગુજરાતમાં 15,000 વધારે કેસો નોંધાયા છે, તેમાં 80 ટકા કેસ અમદાવાદ, સૂરત અને વડોદરામાં નોંધાયાં છે. કોરોનાનું હોટસ્પોટ અમદાવાદ બની ગયું છે. અમદાવાદ જ્યારે પ્રથમ તબક્કામાં હતું ત્યારે જ કોરોનાના દર્દીઓનું ટ્રેકિંગ કરવાની અને મેડિકલની ટીમ સાથે સંકલન કરીને કેસો શોધી કાઢવાની જરૂર હતી. એ કામ કર્યું હોત તો અત્યારે આટલા બધાં કેસો સામે આવ્યાં ન હોત. સૌથી વધારે સંક્રમણનો ફેલાવો સુપર સ્પ્રેડર દ્વારા થયો છે. જોકે કોર્પોરેશન દ્વારા 700થી વધારે સુપર સ્પ્રેડરને શોધી કાઢવામાં આવ્યાં હતાં પરંતુ આ કામ પહેલાં કરવાની જરૂર હતી.છેલ્લાં 12 દિવસથી રાજ્યમાં કોરોનાના રોજ 400થી વધુ અને અમદાવાદમાં 250થી વધુ કેસ આવી રહ્યાં છે. જેની પર એક નજર કરીએ તો...
- 30 મે- 284
- 31 મે- 299
- 1 જૂન- 314
- 2 જૂન- 279
- 3 જૂન- 290
- 4 જૂન- 291
- 5 જૂન- 324
- 6 જૂન- 289
- 7 જૂન- 318
- 8 જૂન- 346
- 9 જૂન- 331
- 10 જૂન- 343
બીજીતરફ ગુજરાત રાજ્યનો આરોગ્ય વિભાગ પણ કોરોનાના આંકડા છુપાવવા મથામણ કરતો હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે રોજના 60થી 65 દર્દીઓ વેન્ટિલેટર પર છે તેવું બતાવાય છે. હકીકત તો એ છે કે અમદાવાદ સિવિલમાં સૌથી વધુ દર્દીઓ વેન્ટિલેટર પર છે. સોલા સિવિલમાં અને એસવીપી હોસ્પિટલમાં પણ દર્દીઓ વેન્ટિલેટર પર છે, તેમ છતાં આરોગ્ય વિભાગ દ્વારા આ હકીકતો સામે આવતી નથી. હોસ્પિટલમાં દર્દીઓ જીવનમરણનો જંગ લડે છે અને તેનું જ પરિણામ છે કે રાજ્યમાં મૃત્યુ દર ઊંચો છે. હાઇકોર્ટે ફટકાર્યા બાદ પણ હજી આરોગ્યતંત્ર સુધર્યુંં નથી તેમ લાગી રહ્યું છે.
અમદાવાદથી ઈશાની પરીખનો અહેવાલ, ઈટીવી ભારત