ગુજરાત

gujarat

ETV Bharat / city

સ્વચ્છ પર્યાવરણ સુંદર પર્યાવરણ: આ વર્ષે તહેવારોમાં POPની મૂર્તિઓનું વેચાણ નહીં થતા જળપ્રદૂષણ અટકશે - environment

ભારત દેશ તહેવારોનો દેશ છે. અહીં મોટાભાગના તહેવારો ભગવાનની આરાધના અને પૂજા સાથે જોડાયેલા છે. દેશમાં દરેક ધર્મના તહેવાર હર્ષોલ્લાસ સાથે ઉજવાય છે. પરંતુ આ વખતે કોરોના વાઇરસની મહામારીના કારણે તહેવારોના રંગમાં ભંગ પડ્યો છે. મંદિરોમાં ભક્તોને દર્શન કરવાની પણ પરમિશન નથી. કોરોના કાળમાં ન તો જન્માષ્ટમી ઉજવાઇ છે, કે ન તો તાજિયાના જુલૂસ નિકળ્યા છે. આ ઉપરાંત ગણેશ ચર્તુર્થી નિમિતે સાર્વજનિક મૂર્તિ સ્થાપન પણ થયું નથી અને હાલ નવરાત્રી પણ આવી રહી છે.

ahmedabad news
આ વર્ષે તહેવારોમાં POP મૂર્તિઓનું વેચાણ ન થતા જળપ્રદૂષણ અટકશે

By

Published : Sep 1, 2020, 4:33 PM IST

અમદાવાદઃ હિન્દુ ધર્મના લોકો મૂર્તિપૂજામાં માનનારી પ્રજા છે અને કોઈપણ પૂજા કાર્યમાં લગભગ મૂર્તિ અનિવાર્ય છે. ભલે પછી જન્માષ્ટમી હોય, નવરાત્રી હોય, ગણેશ ઉત્સવ હોય કે નાના-મોટા વ્રત કે તહેવાર હોય.

ગુજરાતમાં સૌપ્રથમ દશામાના વ્રતમાં મૂર્તિ લાવીને દસ દિવસ આરાધના બાદ મૂર્તિને નદીમાં કે તળાવમાં પધરાવવામાં આવે છે. જન્માષ્ટમીમાં રાધાકૃષ્ણની મુર્તિ લાવીને તેના બીજા દિવસે તેને જળસ્રોતમાં પધરાવવામાં આવે છે. ગણેશ ચતુર્થીમા ગણેશજીની મૂર્તિ લાવીને દસ દિવસ તેમની પૂજા-આરાધના બાદ તેમનું પણ વિસર્જન કરવામાં આવે છે. આ ઉપરાંત પશ્ચમિ બંગાળમાં નવરાત્રીના અંતે દુર્ગાપૂજા બાદ મૂર્તિઓ જલસ્રોતોમાં પધરાવાય છે. ત્યારે જળસ્ત્રોતોમાં બિનજરૂરી કચરો પધરાવવાથી પાણી પ્રદૂષિત થાય છે. તો હિંદુ ધર્મ સિવાય મુસ્લિમો પણ તાજીયા નદી કે તળાવમાં ઠારતા હોય છે, ત્યારબાદ તેમને તેમ જ પધરાવી દેતા જળસ્ત્રોતમાં પ્રદૂષણ ફેલાય છે.

આ વર્ષે તહેવારોમાં POPની મૂર્તિઓનું વેચાણ નહીં થતા જળપ્રદૂષણ અટકશે

સ્વતંત્રતાની લડાઈ દરમિયાન બાળ ગંગાધર ટિળકે મહારાષ્ટ્રમાં લોકોને લડાઈમાં જોડાવા અને એકતાના સાધન તરીકે ગણેશ ઉત્સવ શરૂ કર્યો હતો. આજે તે ગણેશ ઉત્સવ દેશના લગભગ દરેક ભાગમાં પહોંચી ચૂક્યો છે. ભાદરવા સુદ ચોથથી ગણેશ ઉત્સવ શરૂ થાય છે. જેમાં પરંપરાગત રીતે મહોલ્લા, ચાલીઓ, સોસાયટીઓ વગેરે જાહેર સ્થળોએ ગણેશજીની મૂર્તિ લાવીને તેનું સ્થાપન કરવામાં આવે છે. બધા ભેગા મળીને દસ દિવસ તેની પૂજા-અર્ચના કર્યા બાદ અનંત ચતુર્દશીના દિવસે મૂર્તિનું વિસર્જન નદી, તળાવ કે જલકુંડમાં કરે છે. દરિયાકિનારે સ્થિત મુંબઇ શહેરમાં તો મુખ્ય પર્વ ગણેશ ઉત્સવ છે અને હજારો લાખોની સંખ્યામાં ગણેશ મૂર્તિઓને મુંબઈના દરિયામાં વિસર્જિત કરવામાં આવે છે.

આ વર્ષે તહેવારોમાં POPની મૂર્તિઓનું વેચાણ નહીં થતા જળપ્રદૂષણ અટકશે

સામાન્ય રીતે આ મૂર્તિઓ પ્લાસ્ટર ઓફ પેરિસની બનેલી હોય છે. જેનો ઉપયોગ ઘરના ફિનિશિંગમાં પણ થાય છે. મૂર્તિઓ બન્યા બાદ તેને આકર્ષક બનાવવા તેની ઉપર રાસાયણિક રંગોની સજાવટ કરવામાં આવે છે. જેમાં ભારે ધાતુઓ વપરાય છે. પ્લાસ્ટર ઓફ પેરિસ પણ એક રસાયણ જ છે. સતત રસાયણોના સંપર્કમાં રહેવાથી આ મૂર્તિ બનાવતા કારીગરોને રસાયણને લીધે અનેક પ્રકારના રોગો થવાની સંભાવના છે. જેમ કે, ચામડીના રોગ, શ્વસનના રોગ, પાચનના રોગ અને કિડની જેવા રોગનો ભય રહે છે.

આ વર્ષે તહેવારોમાં POPની મૂર્તિઓનું વેચાણ નહીં થતા જળપ્રદૂષણ અટકશે

આ મૂર્તિઓનું વિસર્જન જ્યારે જળસ્ત્રોતોમાં કરવામાં આવે છે ત્યારે, મૂર્તિઓ પાણીમાં જલ્દી ઓગળતી નથી અને ઘણા સમય સુધી પાણીમાં રહે છે. તેમાંથી ધીમે-ધીમે રાસાયણિક રંગ પણ છૂટા પડે છે અને આ કેમિકલ યુક્ત રાસાયણિક રંગો જળસ્ત્રોતોને પ્રદૂષિત કરે છે. જેમ કે, રસાયણોમાં સલ્ફર મેગ્નિશિયમ અને ફોસ્ફરસ જેવા તત્વો છૂટા થતા જળચરોને તેની ઝેરી અસર થાય છે. બીજી તરફ મૂર્તિમાં અન્ય પ્રકારની સામગ્રી જે વપરાય છે, તે જળ સ્ત્રોતમાં કચરો પેદા કરે છે. પ્લાસ્ટર ઓફ પેરિસ પાણીમાં ઓક્સિજન ઘટાડે છે, તેને કારણે કેલ્શિયમ કાર્બોનેટ પેદા થાય છે. તે જમીનના તળ પર જામી જતાં વનસ્પતિઓના મૂળ જમીનમાં જતા નથી અને વનસ્પતિ નાશ પામતા ઓક્સિજન ઘટી જાય છે. જળસ્ત્રોતોમાં ઉપરની સપાટી પર રાસાયણિક કચરો ફેલાઇ જવાથી તેની અંદર ઓક્સિજન ભળતો નથી અને જળચર જીવોમાં ઓક્સિજનની કમી સર્જાય છે. પરિણામે તેઓ મૃત્યુ પામે છે.

રાસાયણિક કચરાને કારણે પાણીમાં એસીડ વધે છે અને જો આવું કેમિકલયુક્ત પાણી પીવામાં આવે તો લીવર અને આંતરડાના રોગો ઉપરાંત કીડનીના રોગો પણ થઈ શકે છે. આ પ્રકારનું મૂર્તિ વિસર્જન પર્યાવરણની ઇકોસિસ્ટમને પણ નુક્સાનકારક છે અને કુદરતચક્રમાં વિક્ષેપ સર્જે છે. આ કચરાથી પાણીનું વહેણ અટકે છે અને ગંદકી સર્જાય છે. તો સાથે શ્રદ્ધાનો પણ નાશ થાય છે.

જો કે, લોકોમાં હવે ધીમે-ધીમે જાગૃતિ આવી રહી છે અને તેઓએ પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિની જગ્યાએ માટીની મૂર્તિઓના ઉપયોગ તરફ વળ્યા છે. પરંતુ ગયા વર્ષ સુધી પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓનું વેચાણ જ વધુ હતું. તેમાં પણ દેખાદેખીમાં મોટી મૂર્તિ બનાવવાની હોડે પર્યાવરણને વધુ નુકસાન કર્યું છે. પરંતુ આ વખતે કોરોના વાઇરસે એક પોઝિટિવ કાર્ય કર્યું છે. સાર્વજનિક ગણેશોત્સવ બંધ રહેવાથી મોટી મૂર્તિઓનું નિર્માણ કે ખરીદી થઈ નથી. કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય દ્વારા પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિને પરવાનગી આપવામાં આવી હતી. પરંતુ સ્થાનિક સરકારોએ તેની પર પ્રતિબંધ લાદતા આ વખતે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ બની નથી અને માટીની મૂર્તિઓ બની છે. એમ પણ મૂર્તિની બનાવટમાં માટીની મૂર્તિઓ વધુ મોટી બનાવી શક્ય નથી.

ત્યારે ઘરે-ઘરે નાની માટીની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે. કારણ કે, આ વખતે વિસર્જનની કોઈ વ્યવસ્થા કરાશે નહીં. નદી અને તળાવો પર અત્યારથી જ પોલીસ પહેરો ગોઠવી દેવાયો છે. ત્યારે આ નાની માટીની મૂર્તિઓનું ઘરમાં જ ડોલ, ટબ કે નાના કુંડ બનાવીને મૂર્તિનું સરળતાથી વિસર્જન કરી શકાય છે. ત્યારબાદ તે માટી અને પાણીને વૃક્ષ કે છોડને આપી શકાય છે. કારણ કે, આ મૂર્તિઓમાં કુદરતી રંગ વપરાય છે. પર્યાવરણવિદો આ પરિસ્થિતિથી ખુશ છે. પરંતુ જ્યારે કોરોના નહીં હોય ત્યારે પણ આવું કલ્ચર ચાલુ રહે, તેવી તેઓ આશા રાખી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details