- કોરોનાની મહામારી વચ્ચે ચૂંટણી આયોગે મતદાનની પ્રક્રિયામાં કર્યો ફેરફાર
- https://sec.gujarat.gov.in/ પરથી મેળવી શકાશે સ્લીપ
- મતદાન મથક પણ ગુજરાત ચૂંટણી આયોગની વેબસાઈટ પરથી જાણી શકાશે
અમદાવાદઃ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને લઇને ચૂંટણી આયોગ દ્વારા કોરોનાની મહામારી વચ્ચે ચૂંટણીની પ્રક્રિયામાં ફેરફારો કરવામાં આવ્યા છે. જેમાં ચૂંટણી આયોગની પહેલાની પ્રક્રિયા મુજબ મતદાતાઓની સ્લીપ જે તે મતદાતાના ઘરે મોકલવામાં આવતી હતી, પરંતુ હવે કોરોનાની મહામારી વચ્ચે આ ચૂંટણીમાં આયોગે મતદાતાઓની સ્લીપ એક પણ મતદાતાને મોકલવામાં આવી નથી. કોરોનાની મહામારી વચ્ચે લાખો મતદાતાની સાવચેતીને ધ્યાનમાં રાખતા મોટો નિર્ણય કર્યો છે અને હવે દરેક મતદાતાએ પોતાની સ્લીપ ગુજરાત ચૂંટણી આયોગની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવાની રહેશે.
ઘરે બેઠા નહીં મળે મતદાન સ્લીપ કેવી રીતે મેળવશો સ્લીપ?
ગુજરાત ચૂંટણી આયોગની વેબસાઇટ https://sec.gujarat.gov.in/ પર "Search Your Name & Polling Station in Voter List" નામનું ખાસ બટન રાખવામાં આવ્યું છે. આ બટન પર ક્લિક કરતાની સાથે એક નવું પેજ ઓપન થશે. જેમાં ક્યા વિસ્તારમાં તમે આવો છે, તેમની જાણકારી નાખવાની રહેશે. જેમની સાથે માંગવામાં આવેલી નામ સહિત તમામ વિગતો ભરતાની સાથે જ નીચેના ભાગમાં આવેલા બટન પર ક્લિક કરતા તમારી તમામ વિગતો સામે આવી જશે. તમામ વિગતની ચકાસણી કર્યા બાદ બાજુમાં આપેલા મતદાન સ્લીપ પર ક્લિક કરતા તમારી મતદાનની સ્લીપ ડાઉનલોડ થઇ જશે અને તેની પ્રિન્ટ પણ કાઢી શકાશે. જેમાં આપ જાણી શકો છો કે તમારે કયા મતદાન મથક પર મત આપવા જવાનું છે.
મતાધિકારનો ઉપયોગ કરો
કોરોનાની મહામારી વચ્ચે ચૂંટણી આયોગે ડિજિટલાઇઝેશન પર ભાર મુક્યો છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જ મતદાનની સ્લીપને ઓનલાઇન ડાઉનલોડ કરવાની સુવિધા ઉભી કરી નાખી છે. જેને લઇને લોકો ઓછા સંપર્કમાં આવે અને સંક્રમણને પણ કાબૂમાં લાવી શકાય, ત્યારે ETV BHARAT આપને અપીલ કરી રહ્યું છે કે આપ આપના મતાધિકારનો ઉપયોગ કરો.