અમદાવાદ : કોચરબ આશ્રમથી ગાંધી આશ્રમ સુધીની પ્રતિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉત્તર પ્રદેશના હાથરસમાં બનેલી સામુહિક દુષ્કર્મની ઘટના વિરોધમાં અને હાથરસ પીડિતાના ન્યાય અને સન્માન માટે યોગી સરકાર સામે પ્રતિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે ધારાસભ્ય નૌશાદ સોલંકી, જિગ્નેશ મેવાણી તેમજ કિરીટ રાઠોડ(સંયોજક, દલિત અધિકાર મંચ)ના વિવિધ અગ્રણીઓ દ્વારા પ્રતિકાર યાત્રામાં જોડાવવા અપીલ કરવામાં આવી હતી.
પ્રતિકાર યાત્રામાં જઇ રહેલા દલિત અધિકાર મંચના કાર્યકરોની વિરમગામ રૂરલ પોલીસે અટકાયત કરી - હાર્દિક રાઠોડ
પ્રતિકાર યાત્રામાં જોડાવા માટે વિરમગામથી દલિત અધિકાર મંચના અગ્રણીઓ કિરીટ રાઠોડ, નવઘણ પરમાર, રમેશ પરમાર, હરેશ રત્નોતર, હાર્દિક રાઠોડ, યોગેશ ડોરીયા જતા હતા, ત્યારે જખવાડા ગામેથી વિરમગામ ગ્રામ્ય પોલીસે તેમની અટકાયત કરી હતી.
આ પ્રતિકાર યાત્રામાં જોડાવવા માટે વિરમગામથી દલિત અધિકાર મંચના અગ્રણીઓ કિરીટ રાઠોડ, નવઘણ પરમાર, રમેશ પરમાર, હરેશ રત્નોતર, હાર્દિક રાઠોડ, યોગેશ ડોરિયા જતા હતા, ત્યારે જખવાડા ગામેથી વિરમગામ ગ્રામ્ય પોલીસનો કાફલો આવી ગયો હતો અને અગ્રણીઓને પ્રતિકાર યાત્રામાં જતા અટકાવ્યા હતા. જેથી દલિત અધિકાર મંચના અગ્રણીઓ દ્વારા અમદાવાદ હાઇવે સુત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. જે બાદમાં તમામને પોલીસ દ્વારા અટકાયત કરીને વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા.
આ બાબતે દલિત અગ્રણી કિરીટ રાઠોડે જણાવ્યું કે, ઉત્તર પ્રદેશની યોગી સરકાર દલિતો પર થતી હિંસા અટકાવવામાં નિષ્ફળ નીવડી છે. ત્યારે ગુજરાતની રૂપાણી સરકાર પણ ખેડૂતો, દલિતો, મહિલાઓને પણ બંધારણીય રીતે પોતાની રજૂઆત કરતા પણ અટકાવે છે. જેને વખોડવામાં કાઢવામાં આવ્યું હતું. સમગ્ર દલિત, આદિવાસી, OBC અને મહિલાઓમાં ઉગ્ર રોષ હોઈ આગામી દિવસોમાં ગામડે ગામડે કાર્યક્રમો યોજવાની પણ જાહેરાત કરી છે.