- આજ સવારથી નક્કી હતું વિજય રૂપાણીનું રાજીનામુ
- સરદાર ધામના કાર્યક્રમમાં વિજય રૂપાણી હતા ગુમશુમ
- કર્ણાવતી યુનિવર્સિટી કાર્યક્રમમાં સ્પીચ ટૂંકાવીને ભુપેન્દ્રસિંહ ચુડાસમા ભાગ્યા
- ગુજરાત યુનિવર્સિટીમાં જલ્દી કાર્યક્રમ પૂરો કરીને પ્રદીપસિંહ જાડેજા ભાગ્યા
ગાંધીનગર : રાજ્યના મુખ્યપ્રધાન પદ પરથી વિજય રૂપાણીએ બપોરે ત્રણ કલાકની આસપાસ રાજીનામું આપ્યું, ત્યારે અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે સરદાર ગામના કાર્યક્રમમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી નારાજ હોવાનું સામે આવ્યું હતું. જ્યારે તેઓ ગુમશુમ હોય તેવું પણ લાગી રહ્યું હતું.
પત્રકાર પરિષદ સંબોધવાની પણ ના પાડી હતી મુખ્યપ્રધાન વિજય રૂપાણી
મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણીની જો વાત કરવામાં આવે તો નરેન્દ્ર મોદીના જેટલા પણ કાર્યક્રમ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી હોય ત્યારબાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણી જ પત્રકાર પરિષદને સંબોધતા હોય છે અને આખા કાર્યક્રમની રૂપરેખા વિશે વિસ્તારથી માહિતી આપતા હોય છે, પરંતુ આજે અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ ખાતે સરદાર ધામનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પત્રકાર પરિષદ સંબોધવાની પણ ના પાડી હતી અને ત્યારબાદ નીતિન પટેલને પત્રકાર પરિષદ સંબોધવા સૂચના પણ આપવામાં આવી હતી. આમ પ્રથમ વખત મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ નરેન્દ્ર મોદીની વીડિયો કોન્ફરન્સના કાર્યક્રમોની રૂપરેખા વર્ણવી ન હતી.
ભુપેન્દ્રસિંહ ચુડાસમા સ્પીચ પતાવીને જલ્દી નીકળી ગયા, કાર્યક્રમ દરમિયાન અરજન્ટની ચિઠ્ઠી પણ આવી
ગાંધીનગરની કર્ણાવતી યુનિવર્સીટીમાં પણ આજે 156 ડિઝાઇન કે જે રાજ્ય સરકારના મંડળમાં બનાવવામાં આવી હતી, તે બાબતનો પણ ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ હાજર હતા, પરંતુ કાર્યક્રમ દરમિયાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને અરજન્ટ શબ્દ લખેલી ચિઠ્ઠી પણ મોકલવામાં આવી હતી. ત્યારબાદ ચુડાસમાએ પોતાની સ્પીચ દરમિયાન પણ જણાવ્યું હતું કે, ગાંધીનગરમાં મીટીંગ હોવાના કારણે મારે સ્પીચ જલ્દીથી પૂર્ણ કરવાની રહેશે. આમ સ્પીચ પણ વહેલી પૂરી કરવામાં આવી હતી, જ્યારે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સ્પીચ આપવા ઊભા થયા તે પહેલા જ તેમની ગાડી ગાંધીનગર જવા માટે તૈયાર પણ કરી દેવામાં હતી.