- ચક્રવાત તૌકતેને લઈને પશ્ચિમ રેલવેના અધિકારીઓની વર્ચ્યુઅલ બેઠક
- રેલવે વિભાગ દ્વારા રેલવે સ્ટેશનોનું નિરિક્ષણ કરાયુ
- હવામાન વિભાગ અને રેલવેનું સંકલન કરવામાં આવ્યું
અમદાવાદ: તાજેતરની હવામાન આગાહીને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાનો વિસ્તાર "તૌકતે" વાવાઝોડાથી પ્રભાવિત થશે. ત્યારે, પશ્ચિમ રેલવે દ્વારા તેના અધિકાર ક્ષેત્રમાં સંભવિત વિસ્તારો માટે વિવિધ સુરક્ષા અને સલામતી સબંધિત સાવચેતી રાખવામાં આવી રહી છે. પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર આલોક કંસલે આ કુદરતી આપત્તિનો સામનો કરવાની તૈયારીની સમીક્ષા કરવા માટે પ્રધાન વિભાગાધ્યક્ષો અને સંબંધિત ડિવિઝનલ રેલવે મેનેજર સાથે વીડિયો કોન્ફરન્સ મારફતે જરૂરી બેઠક યોજી હતી.
આ પણ વાંચો:તૌકતે વાવાઝોડામાં એક પણ વ્યક્તિનું મૃત્યુ નહીં થવા દઈએ, 1.5 લાખ લોકોને દરિયા કિનારેથી ખસેડાશે: મુખ્યપ્રધાન વિજય રૂપાણી
રાજ્ય સરકાર સાથે સંકલન જાળવવા પર વિશેષ ભાર મૂક્યો
જનરલ મેનેજરે વિવિધ લોજિસ્ટિક્સ, સલામત હિલચાલ અંગે વિસ્તૃત સૂચનાઓ આપી હતી. જેમાં, ટ્રેનોના પ્રતિબંધો અને ટ્રેનો રદ કરવાની વ્યવસ્થા વગેરેનો સમાવેશ કર્યો હતો. તેમણે ઝોનલ રેલવે અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના ડિઝાસ્ટર મેનેજમેન્ટ રૂલ્સમાં નિર્ધારિત માર્ગદર્શિકાનું પાલન કરવા અને ભારતીય હવામાન વિભાગ (IMD) તેમજ રાજ્ય સરકાર સાથે સંકલન જાળવવા પર વિશેષ ભાર મૂક્યો હતો.
જરૂર પડે તાત્કાલિક બચાવ કામગીરી કરવા સૂચના
ચક્રવાત "તૌકતે" ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં ત્રાટકે તેવી શક્યતા છે. જેમાં, મોટાભાગે ભાવનગર ડિવિઝન, રાજકોટ ડિવિઝનનો પશ્ચિમ ભાગ અને અમદાવાદ ડિવિઝનના ગાંધીધામ નજીકનો વિસ્તાર આવરી લેવામાં આવ્યો છે. ચક્રવાતનો સામનો કરવાની તૈયારીના ભાગરૂપે પશ્ચિમ રેલવેએ સાવચેતીના પગલાં લીધા છે. વિભાગીય અધિકારીઓ વોટ્સએપ દ્વારા નિયમિત અપડેટ્સ માટે ભારતીય હવામાન વિભાગ અને રાજ્ય સરકાર સાથે સંપર્ક જાળવી રહ્યા છે. કાર્યના સરળ સંચાલન માટે, મુખ્ય મથકના આપત્તિ નિયંત્રણ કક્ષ અને ડિવિઝનના આપત્તિ નિયંત્રણ કક્ષો વચ્ચે હોટલાઇન સુનિશ્ચિત કરવામાં આવી છે. જરૂર પડે તો તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવા તમામ વિભાગોને વિસ્તૃત સૂચનાઓ આપવામાં આવી છે.
આ પણ વાંચો:તૌકતેથી ચેતજો: વાવાઝોડા સામે આ રીતે લઇ શકાશે તકેદારી પગલાં
આપત્તિમાં કામ આવે તેવા સાધનો એકઠા કરાયા
વૃક્ષો કાપવાના સાધનો, ડીજી સેટ, ડીઝલથી ચાલતા પંપ, અર્થ મૂવિંગ સાધનો, જેસીબી, યુટિલિટી વાહનો, પૂરતા ઇંધણ સંશાધનો વગેરેની જોગવાઈ સાથે પરિસ્થિતિને પહોંચી વળવા સંબંધિત મંડળના એન્જિનિયરિંગ વિભાગને સતર્ક રાખવામાં આવ્યા છે. આ અધિકારીઓને જરૂરી તાત્કાલિક કાર્યવાહી સુનિશ્ચિત કરવા સંબંધિત વિસ્તારના અધિકારીઓ સાથે સતત સંદેશાવ્યવહાર સંપર્ક જાળવવા પણ નિર્દેશ આપવામાં આવ્યો છે. ઢીલી છતો તપાસવા માટે પ્લેટફોર્મ શેલ્ટરો અને કવર શેડનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને તેમની તાકાત અને કાર્યક્ષમતા માટે કોઈ પણ સામગ્રીને નુકસાન થવાની પરિસ્થિતિની ખાતરી કરવામાં આવી રહી છે. નિર્માણાધીન વિભાગના તમામ સાધનો અને સંસાધનો પણ તૈયાર રાખવામાં આવ્યા છે. પાવર પેક સહિત પૂરતા બચાવ અને રિ-રેલિંગ માટે પૂરતી દવાઓ અને ઉપકરણોથી ART/ARME/સ્પાર્ટ્સ/SPARME જેવી રાહત ટ્રેનોને પણ તૈયાર તબક્કામાં રાખવામાં આવી છે.