- અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના રસીકરણ શરુ
- સૌપ્રથમ કોરોના વોરિયર્સ સ્ટાફ નર્સિસને આપવામાં આવી રસી
- રસી લીધા બાદ અનુભવ કર્યા શેર
અમદાવાદ : કોરોના મહામારીના સમયમાં એક લાંબો જંગ વિશ્વભરના તબીબી સ્ટાફે લડ્યો છે. જેમાં એશિયાની સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલનો તબીબી સ્ટાફ કેવી રીતે બાકાત રહી શકે? શનિવારે જ્યારે કોરોના રસીકરણની શરુઆત થઈ છે. ત્યારે સરકારે કોરોના વોરિયર્સ એવા ડૉક્ટર્સ, નર્સિસ, પેરામેડિકલ, સહાયક સ્ટાફ વગેરે કર્મીઓને પણ આજના દિવસની ખાસ ભેટ તરીકે સૌપ્રથમ રસીકરણ મેળવનારા કોરોના વોરિયર્સની યાદીમાં શામેલ કર્યાં છે.
કોરોનાને માત આપી ફરીથી કોરોના દર્દીઓની સારવારમાં જોડાઇ ગયા
સિવિલ હોસ્પિટલમાં બે દાયકાથી ફરજરત ભારતી રાવલ કોરોના વોર્ડની શરુઆત સાથે કોરોના દર્દીઓની સારવારમાં તહેનાત રહ્યા હતા. અમદાવાદમાં કોરોના સંક્રમણ જ્યારે ટોચના સ્તર પર ફેલાયું હતું, તેવા સમયે કોરોના દર્દીઓની સારવાર કરતા કરતા પોતે પણ કોરોના સંક્રમિત બન્યા હતા. કોરોનાની ગંભીરતા તેમની કોમોર્બિડિટીને લઇને પણ હતી. તેમ છતાં અડગ મનોબળને લઇને તેમને કોરોનાને માત આપીને ફરીથી કોરોના દર્દીઓની સારવારમાં જોડાઇ ગયા હતા.
યુનિસેફ સંસ્થા દ્વારા કરવામાં આવી રસીકરણ તપાસ
ભારતી રાવલની સાથે સિવિલના લગભગ 10 નર્સિસને આજના દિવસે મુખ્યપ્રધાન રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, આરોગ્ય અગ્ર સચીવ ડૉ. જયંતી રવિની ઉપસ્થિતિમાં રસીકરણ કરવામાં આવ્યું હતું. ડૉ. જયંતી રવિએ ભારતીને કોરોના વોરિયર્સ બેઝથી સન્માનિત પણ કર્યાં હતા. આ સાથે યુનિસેફના પ્રતિનિધિ ટીમ દ્વારા પણ ભારતી અને તેમના સાથે રસી લેનારી નર્સિસની મુલાકાત ઓબ્ઝર્વેશન રુમમાં લેવામાં આવી હતી અને રસીકરણ બાદની પ્રતિક્રિયા અંગે પૂછપરછ તેમજ કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું.